મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા અજિત પવારને મોટો ઝટકો, બે નેતાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
Maharashra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ દરમિયાન અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના બે મોટા નેતાઓ સંજીવરાજે નાઈક નિમ્બાલકર અને દીપક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. આ બંને નેતાઓ શરદ પવારની NCPમાં જોડાયા છે. દીપક ચવ્હાણ ફલટન બેઠકથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે સંજીવરાજે નાઈક નિંબાલકર સતારા જિલ્લા પરિષદના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખ જાહેર
ચૂંટણી પંચે આજે (15મી ઓક્ટોબર) મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી.
આ પણ વાંચો: NDAમાં ફરી વિખવાદ: ભાજપ ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું, JDUએ આપ્યો જવાબ
શરદ પવારનું મોટું નિવેદન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 'ભલે મારી ઉંમર 84 વર્ષ છે, પરંતુ હું રોકાવાનો નથી. એટલું જ નહીં ભલે મારી ઉંમર 90 વર્ષ થઈ જાય, પરંતુ હું આ રીતે કામ કરતો રહીશ. હું મહારાષ્ટ્રને યોગ્ય માર્ગે લાવીને જ રહેશે અને આ માટે દરેક સમયે કામ કરશે.' નોંધનીય છે કે, તેમનો ઇશારો અજીત પવાર તરફ હતો.