મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્રસિંહ મેવાડનું 83 વર્ષની વયે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Mahendra Singh Mewar Passed Away: ભાજપના પૂર્વ સાંસદ અને મેવાડના મહારાણા પ્રતાપના રાજવી પરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડનું રવિવારે ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. મહાન યોદ્ધા મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્ર સિંહ મેવાડ 83 વર્ષના હતા. તેમના પરિવારે જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંહ મેવાડ છેલ્લા ઘણા દિવસોથી ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ચિત્તોડગઢના સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહેન્દ્ર સિંહ મેવાડ 1989માં ભાજપની ટિકિટ પર ચિત્તોડગઢ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. મહેન્દ્ર સિંહ મેવાડના પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડ રાજસમંદ જિલ્લાના નાથદ્વારા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય છે અને પુત્રવધૂ મહિમા કુમારી રાજસમંદથી ભાજપના સાંસદ છે.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું કે, 'ચિત્તોડગઢના ભૂતપૂર્વ સાંસદ અને સામાજિક અને રાજકીય જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર મેવાડ રાજપરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓએ જીવનભર રાજસ્થાનના વારસાને જાળવવામાં અને તેને સુંદર બનાવવાનું કામ કર્યું. તેમણે લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું. સમાજ કલ્યાણ માટેનું તેમનું કાર્ય હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શોકની આ ઘડીમાં હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!'
રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ સોશિયલ મીડિયા પર 'પૂર્વ સાંસદ મહારાણા મહેન્દ્ર સિંહ મેવાડજીના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને મારી પ્રાર્થના. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્રસિંહ મેવાડનું 83 વર્ષની વયે નિધન#MaharanaPratap #MahendraSinghMevad #Udaipur #Rajasthan #Gscard #Gujaratsamachar pic.twitter.com/sAAONM6Zks
— Gujarat Samachar (@gujratsamachar) November 11, 2024