હરતી-ફરતી ફાઈવ સ્ટાર હોટલ છે આ ભારતીય ટ્રેન, ટિકિટ માટે ચૂકવવા પડશે આટલા લાખ
નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2022 શનિવાર
ભારતીય રેલવેમાં એક એવી ટ્રેન પણ છે, જેની ટિકિટ પ્લેનના ભાડા કરતા પણ મોંઘી છે. આ ટ્રેનનું નામ મહારાજા એક્સપ્રેસ છે. આ ટ્રેનનું ભાડુ લગભગ 19 લાખ રૂપિયા છે.
મહારાજા એક્સપ્રેસમાં યાત્રા માટે લોકોની પાસે પાંચ પ્રકારના પેકેજ છે. ટ્રેન પેકેજમાં હાજર સ્ટેશનો પર રોકાય છે, મુસાફર ત્યાં હર્યા-ફર્યા બાદ પાછા નક્કી સમયે ટ્રેનમાં આવી જાય છે. આ રીતે આ હરતી-ફરતી ફાઈવ સ્ટાર હોટલ પર સવાર થઈને પર્યટક પોતાની સફર પૂરી કરે છે.
આ ટ્રેન દિલ્હી કે મુંબઈથી આગ્રા, ફતેહપુર સીકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનૌ, જયપુર, બીકાનેર, ખજૂરાહો, ઉદયપુર સ્ટેશન પર રોકાય છે. આ ટ્રેનમાં 23 ડબ્બા છે અને 88 મુસાફર સફર કરી શકે છે.
મહારાજા એક્સપ્રેસ ટ્રેનમાં ચાર કેબિન છે. જેમાં ડીલક્સ કેબિન, જુનિયર સુઈટ, સુઈટ અને પ્રેજિડેન્શિયલ સુઈટ છે. આ ટ્રેનમાં સૌથી વધારે મોંઘુ કેબિન પ્રેજિડેન્શિયલ સુઈટ છે, જે માટે તમારે લગભગ 19 લાખ રૂપિયા ચૂકવવા પડશે.
ટ્રેનમાં મુસાફરોને સૂવા માટે 14 કેબિન છે. દરેક કેબિનમાં ફોન, એલસીડી ટીવી, ડીવીડી પ્લેયર, ઈન્ટરનેટ, ઈલેક્ટ્રોનિક લોકર સાથે દરેક કેબિનમાં બાથરૂમની પણ સુવિધા છે. ખાવા માટે ટ્રેનની અંદર એક પૂરો ડબ્બો છે. આ દેખાવમાં એક રેસ્ટોરા જેવી લાગે છે.