UAEમાં હિન્દુ મંદિર તૈયાર, મહંત સ્વામી મહારાજનું 'સ્ટેટ ગેસ્ટ' તરીકે અબુ ધાબીમાં સ્વાગત
Abu Dhabi Hindu Mandir: UAEમાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું. 14મી ફેબ્રુઆરીએ BAPS હિન્દુ મંદિરનું મહંત સ્વામીના હસ્તે શુભારંભ કરાશે.
BAPS હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પત્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને UAE વચ્ચેની મજબૂત મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યાર બાદ જાન્યુઆરી 2019માં 'યર ઓફ ટોલરન્સ' દરમિયાન, વધુ 13.5 એકર જમીન ફાળવી હતી. કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી હતી.
યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે,'યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ દેશ પાવન થયો છે. તમારી શુભકામનાઓથી અમને સ્પર્શી ગઈ છે. અમને તમારા આશીર્વાદ અનુભવાય છે. તમારો પ્રેમ અને આદર હૃદયસ્પર્શી છે. UAEના નેતાઓ મહાન અને વિશાળ હ્રદયના છે.'
'સ્ટેટ ગેસ્ટ' તરીકે મહંત સ્વામી મહારાજનું 'અલ-અય્યાલા'ની પારંપરિક અરેબિક સાંસ્કૃતિક શૈલીમાં નર્તકો, ડ્રમવાદકો અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારની રજૂઆત સામાન્ય રીતે રાષ્ટ્રીય તહેવારો સમયે અથવા અન્ય દેશોના વડાઓના સ્વાગત નિમિત્તે આરક્ષિત રખાય છે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ – એટલે કે ‘સંવાદિતાનો ઉત્સવ’ ઉજવવામાં આવશે, જે અંતર્ગત અલગ અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોમાં શ્રદ્ધા, સેવા અને સંવાદિતાના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે.
આ મંદિર પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલાં બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું, 'અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે એક આધ્યાત્મિક દ્વીપ તરીકે ઊભરી ઉઠ્યું છે, જે ભૂતકાળના સમૃધ્ધ વારસાની ઉજવણી કરે છે, અને ભવિષ્યનું દિશા-દર્શન કરે છે. આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતા તેમજ UAE અને ભારત બંને દેશોના અને BAPS સંસ્થાના નેતૃત્વની ઉદારતા, પ્રામાણિકતા અને મિત્રતાનું સમયાતીત પ્રમાણપત્ર છે.'