Get The App

રામ મંદિરમાં 1 કરોડનું દાન આપનારા મહંત કનક બિહારી દાસનું માર્ગ અકસ્માતમાં નિધન

Updated: Apr 17th, 2023


Google NewsGoogle News
રામ મંદિરમાં 1 કરોડનું દાન આપનારા મહંત કનક બિહારી દાસનું માર્ગ અકસ્માતમાં નિધન 1 - image


- બાઈક સવારને બચાવવાના ચક્કરમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ

- પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

નરસિંહપુર, તા. 17 એપ્રિલ 2023, સોમવાર

રઘુવંશી સમાજના મહંત કનક બિહારી દાસ મહારાજનું નરસિંહપુર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયુ છે. તેઓ બર્મનથી છિંદવાડા પરત ફરી રહ્યા હતા. બાઈક સવારને બચાવવાના ચક્કરમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મહારાજ સહિત 2 લોકોના મોત થઈ ગયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મહંતના નિધન પર શોક વ્યક્ત કર્યો. 

મહંત કનક બિહારી દાસ મહારાજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાથી વધુ રકમ આપીને ચર્ચામાં આવ્યા હતા. રઘુવંશ શિરોમણી 1008 તરીકે ઓળખાતા કનક બિહારી દાસ મહારાજને રઘુવંશી સમુદાયના રાષ્ટ્રીય સંત તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

મહારાજનું આશ્રમ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા સ્થિત નોનીમાં હતું. કનક મહારાજ યુપીના પ્રયાગરાજથી છિંદવાડા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બરમાન-સગરી નેશનલ હાઈવે-44 પર સર્જાયેલા અકસ્માતમાં તેમનું નિધન થઈ ગયુ છે. મહારાજ કનકજી અયોધ્યાના રામ મંદિરમાં થનારા યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા.

રઘુવંશી સમાજના નરસિંહપુર જિલ્લા અધ્યક્ષ રાજકુમાર રઘુવંશીએ જણાવ્યું કે, મહંત કનક મહારાજે રામ મંદિર માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત 10 ફેબ્રુઆરી 2024થી મહારાજ અયોધ્યામાં 9 કુંડીય યજ્ઞ કરવાના હતા. તેની તૈયારી માટે તેઓ રઘુવંશી સમાજના તમામ ગામોમાં જઈ રહ્યા હતા.


Google NewsGoogle News