Get The App

ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી ગાડીઓમાં કેદ રહ્યા... મહાકુંભમાં ચક્કાજામમાં ફસાયેલા અનેક શ્રદ્ધાળુની આપવીતી

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી ગાડીઓમાં કેદ રહ્યા... મહાકુંભમાં ચક્કાજામમાં ફસાયેલા અનેક શ્રદ્ધાળુની આપવીતી 1 - image

Image Source: Twitter

MahaKumbh Crowd: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેને પગલે મહાકુંભ મેળા તરફ આગળ વધતાં વાહનો 200થી 300 કિ.મી. દૂરથી જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પ્રયાગરાજ તરફ જતાં બધા જ નેશનલ હાઇવે પર ટ્રાફિક એટલો વધી ગયો કે વાહનોને મધ્ય પ્રદેશમાં રોકવામાં આવી રહ્યા છે. રાયબરેલી, કૌશાંબી, વારાણસી, જૌનપુર અને કાનપુરના તમામ હાઇવે પર ગાડીઓ જ દેખાઈ રહી હતી અને દૂર-દૂરથી આવેલા મુસાફરોને કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા પોતાની ગાડીઓમાં 'કેદ' રહેવાની ફરજ પડી છે. ઘણી જગ્યાએ તો પોલીસે જાહેરાત કરવી પડી કે તમે હમણાં પરત ફરી જાઓ અને ભીડ ઓછી થયા બાદ પવિત્ર સ્નાન માટે આવો. જોકે, લોકો માનવા તૈયાર નહોતા. બીજી તરફ મહાકુંભ મેળા વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, પોલીસ વહીવટીતંત્ર સ્નાન વ્યવસ્થિત રીતે થાય તે માટે તૈયાર છે. હવે ટ્રાફિક જામમાંથી પણ થોડી રાહત મળી છે. ત્યારે હવે મહાકુંભમાં ચક્કાજામમાં ફસાયેલા અનેક શ્રદ્ધાળુઓએ આપવીતી જણાવી છે. 

કલાકો સુધી ગાડીઓમાં કેદ રહેવું પડ્યું

આ વચ્ચે દિલ્હીના યમુના વિહારથી આવેલા એક પરિવારે જણાવ્યું કે, અમારે રસ્તામાં ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. કલાકો સુધી ગાડીઓમાં કેદ રહેવું પડ્યું. કુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા પછી પણ અમારે ઘણા કિલોમીટર પગપાળા ચાલવું પડ્યું. પરિસ્થિતિ એવી હતી કે, સંગમ નોઝ પાસે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. અમે ખૂબ જ મુશ્કેલીથી સ્નાન કર્યું. હવે પરત ફરવામાં પણ સંઘર્ષ કરવો પડશે કારણ કે, હજુ પણ વિવિધ સ્થળોએ ટ્રાફિક જામના અહેવાલો મળી રહ્યા છે.

પાર્કિંગ માટે કલાકો સુધી ભટકવું પડ્યું

પોતાના પરિવાર સાથે દિલ્હીથી મહાકુંભમાં આવેલી પૂજાએ જણાવ્યું કે, અમે શનિવારે રાત્રે 9:00 વાગ્યે નીકળ્યા હતા. રસ્તામાં ઠેર-ઠેર એટલો બધો ટ્રાફિક જામ હતો કે અમને રવિવારે સાંજે 4 વાગ્યે પ્રયાગરાજમાં એન્ટ્રી મળી. ત્યારબાદ પાર્કિંગ માટે કલાકો સુધી ભટકવું પડ્યું. આમાં જ રાતના 12:00 વાગી ગયા. આખરે સવારે 4:00 વાગ્યે ઘાટ પર પહોંચ્યા અને સવારે 7:00 વાગ્યા પછી આસ્થાની ડૂબકી લગાવી. અમે લગભગ 5 કિ.મી. ચાલીને મેટાડોર કરી અને પછી ઘાટ પર પહોંચ્યા જેમાં લગભગ ૩ કલાક લાગ્યા. કારણ કે ખૂબ જ ભીડ હતી. જોકે, સ્નાન કરી લીધું તેથી મનમાં સંતોષ છે.

યમુના વિહારથી પ્રયાગરાજનું અંતર લગભગ 670 કિમી છે, આ યાત્રા રોડ દ્વારા પૂર્ણ કરવામાં લગભગ 11 કલાક લાગે છે, પરંતુ ટ્રાફિક જામને કારણે પૂજા અને તેના પરિવારને આ યાત્રામાં 24 કલાકનો સમય લાગ્યો. ઘાટ સુધી પહોંચવામાં વધુ સમય લાગ્યો.

આ પણ વાંચો: 'વસતી ગણતરીમાં વિલંબ, 14 કરોડ લોકો રેશનથી વંચિત...' સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

બીજી તરફ ભદોહી-પ્રયાગરાજ હાઇવે પર મહાકુંભથી પરત ફરી રહેલી બિહારની નવાદાની રિતુએ જણાવ્યું કે, મહાકુંભમાં સ્નાન સરળ હતું પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. દર 10 કિ.મી.એ ચક્કાજામની સ્થિતિ હતી. છતાં મહાકુંભ સ્નાન માટે આ કોઈ મોટી વાત નથી. તેવી જ રીતે ઝારખંડના દેવઘરથી આવેલા એક વ્યક્તિએ કહ્યું કે, સીએમ યોગીએ સારી વ્યવસ્થા કરી છે, અમારે થોડો ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો, પરંતુ આ એટલો મોટો મુદ્દો નથી. સ્નાન સારી રીતે ચાલી રહ્યું છે, સ્થિતિ નિયંત્રણમાં છે.

બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી

ટ્રાફિક જામના કારણે બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની ગઈ છે. હરિયાણાના એક યાત્રીએ જણાવ્યું કે, અમે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા. અમે છેલ્લા 36 કલાકથી અહીં છીએ અને બહાર નથી નીકળી શકતા. મારે હરિયાણા જવું છે. યુપી સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અહીં ટ્રાફિક જામના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાયબરેલીથી આવેલા રામકૃપાલે જણાવ્યું કે, લખનઉ-પ્રયાગરાજ હાઇવે પર ફાફામઉ પહેલા અમે પાંચ કલાક ટ્રાફિક જામમાં ફસાયા હતા. ત્યારબાદ કોઈક રીતે અમે બેલા કછર પર વાહન પાર્ક કર્યું અને ત્યાંથી સંગમ ઘાટ માટે પગપાળા જ નીકળી આવ્યા.

આજે પરિસ્થિતિ સામાન્ય 

ગઈકાલે સાંજે પ્રયાગરાજમાં મહાકુંભ સ્નાન કરીને પરત ફરતાં ભક્તોની ભારે ભીડને કારણે પ્રયાગરાજ-વારાણસી નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. હાઇવે પર વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને, ભદોહી વહીવટીતંત્રે લાલા નગર ટોલ પ્લાઝાને અસ્થાયી રૂપે ટોલ ફ્રી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આજે સવારે પરિસ્થિતિ સામાન્ય છે.

હકીકતમાં, રવિવારે ભદોહી હાઇવે પર હજારો વાહનોનો પ્રવાહ ધસી આવ્યો હતો, જેના કારણે ઘણા કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. વાહનોની ધીમી ગતિ અને ટોલ પ્લાઝા પર લાંબી કતારોને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ જોઈને વહીવટીતંત્રે ઝડપી નિર્ણય લીધો અને ટોલ ટેક્સને કામચલાઉ નાબૂદ કરવાનો આદેશ આપ્યો.

રવિવારે મહાકુંભ મેળાના માર્ગો પર ઘણા કિલોમીટરનો ભારે ટ્રાફિક જામ હતો, ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકારને ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે કટોકટીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. 


Google NewsGoogle News