મહાકુંભમાં મહાશિવરાત્રિ પહેલા ‘મહાજામ’, ટ્રાફિક પર નિયંત્રણ મેળવવા ADG સહિત વધુ 6 IPS મોકલાયા
Mahakumbh Traffic : પ્રયાગરાજનાં મહાકુંભમાં મહાશિવરાત્રિ પહેલા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેને નિયંત્રણમાં લેવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુ છ આઈપીએસ અધિકારીઓને મોકલ્યા છે. સરકારે એક એડીજી અને પાંચ આઈજી સ્તરના અધિકારીઓને વિવિધ માર્ગો પર તહેનાત કર્યા છે. સરકારે એડીસી પીએસી સુજીત પાંડે, આઈજી ચંદ્રપ્રકાશ, પીતેન્દ્ર સિંહ, રાજેશ મોદક અને મંજિલસૈનીને ટ્રાફિક વ્યવસ્થા નિવારવાની જવાબદારી સોંપી છે.
મહાકુંભ તરફના માર્ગો પર ભારે ટ્રાફિક જામ
મહાકુંભ તરફના માર્ગો પર શનિવારે ભારે ટ્રાફિક જામ થયો છે, જેના કારણે 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રિએ અંતિમ સ્નાન કરવા માટે ભારે ભીડ ઉમટવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દિવસે વાહન ચાલકો અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે યોગી સરકારે અધિકારીઓને જવાબદારી સોંપી છે. શનિવારે હાઈવેથી લઈને શહેર અને સંગમ સુધી મોડી રાત સુધી ટ્રાફિક જોવા મળ્યો.
પગપાળા ચાલવું પણ મુશ્કેલ
ટ્રાફિક જામના કારણે અનેક શહેરોના રોડ પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં શહેરના રહેવાસીઓ, ગંભીર દર્દીઓ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાના કારણે એમ્બ્યુલન્સનું પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે. બાંગડ ધર્મશાળા પાસે શનિવારે બપોરે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી.
મહાકુંભમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન
મહાકુંભ મેળામાં 60 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. આ માહિતી ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે આપી હતી. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો મહા શિવરાત્રિ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભારતના 110 કરોડ સનાતન અનુયાયીઓમાંથી અડધાથી પણ વધુએ પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. 26 ફેબ્રુઆરીએ અંતિમ અમૃત સ્નાન સુધીમાં આ સંખ્યા 65 કરોડને વટાવી જેશે.
આ પણ વાંચો : ઈટાલીના વડાંપ્રધાન મેલોનીએ PM મોદીનું નામ લઈને લેફ્ટ પર કર્યા પ્રહાર, જુઓ શું કહ્યું