મહાકુંભમાં હજારો લોકો માર્યા ગયા, ગંગામાં વહાવી દેવાયા મૃતદેહો: સપા સાંસદનું ચોંકાવનારું નિવેદન
MP Ram Gopal Yadav: મહાકુંભમાં નાસભાગ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે હવે સંસદ સુધી પહોંચી ગયા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ નાસભાગ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
સમાજવાદી પાર્ટીના સાંસદે આપી પ્રતિક્રિયા
સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે પ્રયાગરાજમાં મહાકુંભ નાસભાગ મામલે યુપી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ અંગે સાંસદે કહ્યું કે, 'વહીવટી બેદરકારી થઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ જે પુલ બનાવવામાં આવ્યા હતા તે બંધ કરી દેવામાં આવ્યા હતા. તે માત્ર અખાડાઓ અને વીવીઆઈપી માટે જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો.' પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ત્યાં હજારો લોકો માર્યા ગયા હતા. કેટલાક લોકોને ગંગામાં વહાવી દેવાયા, કેટલાક લોકો દટાયા. મુખ્યમંત્રી તરફથી અધિકારીઓને આ આદેશ છે કે સંખ્યા 30થી ઉપર ન જાય.'
લોકોને મૃતદેહો આપવામાં આવી રહ્યા નથી: રામગોપાલ યાદવ
આ મામલે રામગોપાલ યાદવે આરોપ લગાવ્યો છે કે, 'લોકોને મૃતદેહો આપવામાં આવી રહ્યા નથી. પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતું નથી. 15થી 20 હજાર રૂપિયા આપીને તેમને કહેવામાં આવી રહ્યું છે કે પૈસા લો અને ઘરે જાઓ, જેથી આ આંકડો બહાર ન આવે. આવી ગંભીર બેદરકારી સામે આવી છે. આમ છતાં કોઈ અધિકારી સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી, કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા ન હતા.'
સપા સાંસદે વધુમાં કહ્યું કે, 'અમારે આ મુદ્દો અહીં ઉઠાવવો હોય તો અહીં બેઠેલા લોકો સર્ટિફિકેટ લઈને આવે છે. વિપક્ષના ઘણા સાંસદોએ આ અંગે નોટિસ આપી હતી. પરંતુ કોઈની સૂચના પર કોઈ સુનાવણી હાથ ધરવામાં આવી ન હતી. નોટિસ રદ કરવાનું કારણ પણ આપવામાં આવ્યું નથી.'