મહાકુંભ નાસભાગ અંગે તમારી પાસે કોઈ માહિતી હોય તો આ નંબર પર કરો શેર, તપાસ કમિટીએ માગી વિગતો
Mahakumbh Stampede : પ્રયાગરાજના મહાકુંભમાં 28 જાન્યુઆરીએ નાસભાગ થવાની ઘટના બની હતી, જેમાં સત્તાવાર આંકડા મુજબ 30 શ્રદ્ધાળુઓના મોત અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની તપાસ કરી રહેલી ન્યાયિક પંચે સામાન્ય લોકો પાસેથી માહિતી માંગી છે અને કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ 10 દિવસની અંદર ન્યાયિક પંચમાં નિવેદન નોંધાવી શકે છે.
ઈ-મેલ અને ફોન નંબર પર પણ નોંધાવી શકાશે નિવેદન
ન્યાયિક પંચે કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ મહાકુંભમાં નાસભાગની ઘટના અંગેની કોઈપણ માહિતી મેલ આઇ-ડી mahakumbhcommission@gmail.com અને ફોન નંબર 0522-2613568 પર પણ આપી શકે છે. ઘટના બાદ પંચે લખનઉના હજરતગંજ સ્થિત જનપથ માર્કેટના વિકાસ ભવનમાં ઑફિસ બનાવી છે.
પંચે એક મહિનામાં તપાસ કરી સરકારને રિપોર્ટ સોંપવાનો રહેશે
આ મામલો અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુમારની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતી રચી તપાસની કામગીરી સોંપી છે. પંચે એક મહિનાની અંદર તપાસ કરી સરકારને રિપોર્ટ આપવાનો છે.
‘માહિતી આપવાથી સત્ય સામે આવશે, દોષિતોને સજા અપાવી શકાશે’
ન્યાયિક તપાસ પંચે તમામ લોકોને વિનંતી કરી છે કે, ‘કોઈપણ વ્યક્તિ પાસે નાસભાગની ઘટના અંગે ચોક્કસ માહિતી હોય, તો તેઓ ડર્યા વગર પંચને સંપર્ક કરે. માહિતીના આધારે સત્ય સામે આવશે અને દોષિતોને સજા અપાવી શકાશે.’
કેવી રીતે નાસભાગ મચી?
મહાકુંભનાં સંગમ કિનારે મધ્યરાત્રિ(28 જાન્યુઆરી)એ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં સ્થિતિ બેકાબુ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા હતા, જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા હતા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી, બધા વિખેરાઈ ગયા, અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ આ ઘટનામાં 30 લોકોના મોત અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાસભાગની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસનો આદેશ આપ્યો હતો અને માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી.