Get The App

મહાકુંભમાં નાસભાગ બાદ 5 મૃતદેહોની ઓળખ બાકી તો 24ની તસવીરો કેમ જાહેર કરી, ઊઠ્યાં સવાલ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં નાસભાગ બાદ 5 મૃતદેહોની ઓળખ બાકી તો 24ની તસવીરો કેમ જાહેર કરી, ઊઠ્યાં સવાલ 1 - image


Mahakumbh Stampede: મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે મોટી દુર્ઘટના ઘટી હતી. આ રાત્રે નાસભાગ મચી ગઈ હતી અને તેમાં 30 લોકોના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ નાસભાગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ છે કે શું મંગળવાર-બુધવારની રાત્રે સંગમ નોઝ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ નાસભાગ મચી હતી? શું DIG વૈભવ કૃષ્ણાએ ઝુંસીમાં થયેલી નાસભાગ જેવી પરિસ્થિતિ વિશે સંપૂર્ણ સત્ય નથી જણાવ્યું? શું મૃત્યુઆંક ફક્ત 30 લોકોનો જ છે? જો માત્ર પાંચ મૃતદેહોની ઓળખ બાકી હતી, તો પછી પોસ્ટમોર્ટમ હાઉસમાં 24 મૃતદેહોની તસવીર બાદમાં કેમ લગાવવામાં આવી? આ તમામ સવાલોની સાથે એક વધુ સવાલ એ છે કે મહાકુંભમાં ગુમ થયેલા લોકો ક્યાં ગયા? નાસભાગના ત્રણ દિવસ પછી પણ ઘણા લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી નથી શક્યા.

અનેક લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા

મહાકુંભમાં ઘણા લોકો એવા છે જે પોતાના પરિવારજનોને શોધવા માટે ભટકી રહ્યા છે. આવી જ એક અનુરાધા પણ છે, જે છેલ્લા ત્રણ દિવસથી હાથમાં મોબાઈલ ફોન લઈને પોતાની માતાની તસવીર બતાવતી તેમને શોધી રહી છે. મહાકુંભમાં નાસભાગ બાદ જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા તેઓ જીવિત મળવાની આશા સાથે શબઘર સુધી પહોંચી રહ્યા છે. અનુરાધા દેવી પ્રયાગરાજના પોસ્ટમોર્ટમ ગૃહમાં પહોંચી ગયા છે. તેમની બહેન પણ તેમની સાથે છે. તેમનો એક દીકરો છે. દીકરો તેની નાનીને શોધી રહ્યો છે. અનુરાધા પોતાની માતાની તસવીર બતાવતી સરકારી મદદ કેન્દ્રથી શબઘર સુધી પહોંચી ગઈ છે પરંતુ હજુ તેમને તેમની માતા નથી મળી.

મહાકુંભમાં નાસભાગ બાદ 5 મૃતદેહોની ઓળખ બાકી તો 24ની તસવીરો કેમ જાહેર કરી, ઊઠ્યાં સવાલ 2 - image

72 કલાક પછી પણ લોકોને પોતાના પરિવારજનો નથી મળી રહ્યા

આ નાસભાગ બાદ વહીવટીતંત્ર હવે સતર્ક થઈ ગયું છે. ભીડને ક્યાંય પણ એકઠી થવા દેવામાં નથી આવી રહી. તમામને લેફ્ટ રાઈટ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ અનુરાધા એ ક્ષણને કોસી રહી છે જ્યારે તે પોતાની માતા અને અન્ય લોકો સાથે એ જ ભીડમાં ફસાઈ ગઈ હતી. એકવાર તેણે પોતાની માતાનો હાથ છોડી દીધો ત્યારબાદ 72 કલાક પછી તે તેમને નથી મળી. બિહારના દરભંગાથી આવેલી અનુરાધા માત્ર એક એવી વ્યક્તિ નથી જે પોતાના પરિવારને શોધી રહી છે. બિહારથી બંગાળ સુધી. યુપીના વિવિધ જિલ્લાઓના લોકો પ્રયાગરાજમાં પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે. 

મહાકુંભમાં નાસભાગ બાદ 5 મૃતદેહોની ઓળખ બાકી તો 24ની તસવીરો કેમ જાહેર કરી

હવે બે સવાલ છે. પહેલો સવાલ એ છે કે, જેઓ 72 કલાક પછી પણ જે લોકો નથી મળી રહ્યા તે ક્યાં ગયા? અને પછી આ તસવીર ચર્ચામાં આવે છે, જે પ્રયાગરાજના શબઘરમાં મૂકવામાં આવી છે. 24 લોકોની તસવીર છે. અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પોતાના પરિવારજનોને શોધી રહેલા લોકોને આ ચહેરા બતાવીને તેમની ઓળખ કરવામાં આવી હતી. અને ત્યારે હવે બીજો સવાલ એ ઊભો થાય છે કે, નાસભાગના દિવસે જ એટલે કે 29 જાન્યુઆરીના રોજ ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું હતું કે 30 લોકો માર્યા ગયા છે. હજુ સુધી ફક્ત પાંચ મૃતદેહોની ઓળખ બાકી છે. તો પછી ૩૦ જાન્યુઆરીથી ઓળખ માટે પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 તસવીર કેમ લગાવવામાં આવી રહી છે? હોસ્પિટલ પ્રશાસન કે ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ પોતે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે જ્યારે 30 માંથી 25 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે, તો પછી આ પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 મૃતદેહોની તસવીરો શા માટે લગાવવામાં આવી છે?

આ પણ વાંચો: મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ

નાસભાગમાં મૃતકોના આંકડા અંગે ઉઠી રહ્યા સવાલ

આ અંગે હવે સવાલ ઉઠી રહ્યો છે કે, જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે મૃતકો અને ઘાયલોની ઓળખ કર્યા પછી જ તેમની યાદી જાહેર કરવામાં આવે છે. તો પછી કુંભમાં નાસભાગ થયાના 3 દિવસ પછી પણ યાદી કેમ જાહેર કરવામાં ન આવી? તેથી હવે વિપક્ષ પણ મૃત્યુઆંક અંગે સવાલ ઉઠાવી રહ્યું છે. મૃત્યુઆંક પર ઉભા થઈ રહેલા સવાલો વચ્ચે એ પણ સાચું છે કે ગુમ થયેલા લોકો માટે મેળા વિસ્તારમાં 10 'ખોયા-પાયા' કેન્દ્રો બનેલા છે. એટલે કે એવા કેન્દ્રો જે ગુમ થયેલા લોકોને પોતાના પરિવારજનો સુધી પહોંચાડે છે. એક અહેવાલ પ્રમાણે અહીં આ કેન્દ્રમાં દર 10 લોકોમાંથી 8 લોકો પોતાના નજીકના લોકોને શોધી રહ્યા છે. પરંતુ વીસ ટકા લોકો એવા છે જેઓ પોતાના પરિવારજનોનું સરનામું કે મોબાઇલ નંબર કહી શકતા નથી. આ વૃદ્ધ લોકો છે.

હવે સવાલ એ છે કે, મંગળવાર-બુધવારની રાત્રે સંગમ નોઝ પાસે થયેલી નાસભાગ બાદ તરત જ થયેલી બીજી નાસભાગનો જે વીડિયો સામે આવ્યો છે તેને પોલીસ વહીવટીતંત્ર દ્વારા છુપાવવામાં આવ્યો હતો અને હવે તેઓ સ્વીકારી નથી રહ્યા? હવે લોકોના મોબાઈલ ફોનમાંથી ઘણા વીડિયો બહાર આવ્યા છે જે હકીકત જણાવી રહ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે રસ્તો સેંકડો લોકોથી ભરેલો છે. આ વાયરલ વીડિયોમાં લોકો બેભાન અવસ્થામાં દેખાઈ રહ્યા છે. આખરે અહીં થયુ શું હતું? પ્રત્યક્ષદર્શીઓ પોતાની વાત મૂકી રહ્યા છે. પરંતુ કુંભ મેળા વિસ્તારના ડીઆઈજી વૈભવ કૃષ્ણા કહે છે કે, પોલીસને બીજી નાસભાગ વિશે કોઈ માહિતી નથી અને હવે અમે તપાસ કરાવીશું. ચર્ચામાં આવેલા વીડિયો અંગે ડીઆઈજીનું કહવું છે કે, કોઈએ પોલીસને તેની જાણ નથી કરી.


Google NewsGoogle News