'મહાકુંભ નાસભાગના મૃતકોનો સાચો આંકડો છુપાવે છે સરકાર...', અખિલેશ યાદવના ગંભીર આક્ષેપ
Mahakumbh Stampede: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે શુક્રવારે યુપી સરકારના મહાકુંભમાં પ્રભાવિત શ્રદ્ધાળુઓને મેડિકલ સર્વિસ, ભોજન અને કપડાં ઉપલબ્ધ કરાવવા કહ્યું. અખિલેશની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે બુધવારે (29 જાન્યુઆરી) મહાકુંભના સંગમ વિસ્તારમાં પવિત્ર સ્નાન કરવા જતી વખતે નાસભાગમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 60થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.
અખિલેશે કહ્યું કે, અકસ્માતની હકીકત સંતાડવી, આંકડા છુપાવવા, સાક્ષીઓ છુપાવવા એક ગુનો છે. ઉત્તર પ્રદેશ સરકાર વળતર ન આપવું પડે એટલે મૃતકોની સંખ્યા છુપાવી રહી છે. યુપી સરકાર તમામ જાણકારી છુપાવી રહી છે. સરકાર ઇચ્છે છે કે, લોકોનું ધ્યાન ભટકાવવામાં આવે, અકસ્માતની પાછળ કોઈ ષડયંત્ર નથી ફક્ત સરકારની નિષ્ફળતા છે, સાધુ-સંત પણ આ જ કહી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહાકુંભ નાસભાગમાં મોત મુદ્દે હજુ મૂંઝવણ: તંત્ર અને પોલીસ આલાપી રહ્યા છે જુદો જુદો રાગ
આ સિવાય અખિલેશ યાદવે મહાકુંભમાં ફસાયેલા લોકોની મદદ માટે સલાહ પણ આપી છે. અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ પોસ્ટ શેર કરી યુપી સરકારને સલાહ આપી છે.
અખિલેશ યાદવની સલાહ
- ભોજન-પાણી માટે દરેક જગ્યાએ દિવસ-રાત ઢાબા અને ભંડારાનું આયોજન કરવાની અપીલ.
- ઉત્તર પ્રદેશના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ જે સ્વયંસેવક લોકોને દ્વિચક્રી વાહનોના માધ્યમથી દૂરના વિસ્તારમાં ફસાયેલા લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.
- મહાકુંભની આસપાસ અને પ્રદેશભરમાં અનેક કિલોમીટર સુધી ફસાયેલા વાહનોને પેટ્રોલ-ડીઝલની આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં આવે.
- દવાની દુકાનોને દિવસ-રાત ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે.
- લોકોને કપડાં અને ધાબડા આપવામાં આવે.
આ પણ વાંચોઃ મહાકુંભના મેળામાં ભંડારાના ભોજનમાં રાખ નાખતા ઈન્સપેક્ટરનો VIDEO વાયરલ, કાર્યવાહી થઇ
બે જગ્યાએ થઈ નાસભાગ?
નોંધનીય છે કે, બુધવારે (29 જાન્યુઆરી) મહાકુંભના સંગમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. અન્ય મીડિયા અહેવાલ અનુસાર, મહાકુંભમાં ફક્ત એક નહીં પરંતુ બે જગ્યાએ નાસભાગ મચી હતી. આ ઘટના સંગમના સામેના ભાગમાં જુસી વિસ્તારમાં પણ ભયાનક નાસભાગ મચી હતી. આ નાસભાગમાં પણ અનેક લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. પરંતુ, ઉત્તર પ્રદેશ સરકાર અથવા તંત્ર તરફથી આ વિશે કોઈ વાત કરવા પણ તૈયાર નથી.
નાસભાગની હકીકતનો અસ્વીકાર?
મીડિયા અહેવાલ અનુસાર, જુસી વિસ્તારમાં નાસભાગના 24 કલાક બાદ ત્યાં હજારોની સંખ્યામાં કપડાં, ચંપલ અને લોકોના ડૉક્યુમેન્ટ સહિત અનેક વસ્તુઓ નીચે ગમે ત્યાં પડી હતી. બુલડોઝર દ્વારા આ તમામ કપડાં અને લાવારિશ વસ્તુઓનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, નાસભાગમાં જેમના મોત થયા તેમના મૃતદેહોને પણ 12 કલાક બાદ લઈ જવામાં આવ્યા છે. પરંતુ, હજુ સુધી જુસી વિસ્તારની આ નાસભાગની સત્તાવાર રીતે કોઈ માહિતી કે સ્વીકાર કરવામાં નથી આવી રહ્યો. દુર્ઘટનાના 24 કલાક બાદના પણ જે દૃશ્યો છે તે દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે. ત્યાં હાજર એક ફૂડ સ્ટોલના લોકોએ આ વિશે માહિતી આપી. પ્રત્યક્ષદર્શીઓએ અનેક મોતોની માહિતી આપી છે, તેમ છતાં સરકાર કે તંત્ર દ્વારા આ વિશે હજુ સ્વીકાર પણ નથી કરાયો. લોકો પોતાના વિખૂટા પરિવારજનો તેમજ મૃતકોના મૃતદેહોને શોધી રહ્યા છે.