મહાકુંભમાં 50 કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ, પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જેથી આ લોકો પોતાના પ્રાઇવેટ જેટ અથવા ચાર્ટર્ડથી મહાકુંભ પહોંચી આ અવિસ્મરણીય પળના સાક્ષી બની રહ્યાં છે.
એરપોર્ટ પર પણ વધી ભીડ
પ્રયાગરાજ એરપોર્ટ પર દરરોજ એટલાં ચાર્ટર્ડ અને પ્રાઇવેટ જેટ આવી રહ્યાં છે કે, એરપોર્ટ પર પણ ભીડ વધવા લાગી છે. ફક્ત ગાડી અને વાહનોની પાર્કિંગમાં મુશ્કેલી નથી ઊભી થઈ રહી પરંતુ, એરપોર્ટ પર આ પ્રાઇવેટ જેટ અને ચાર્ટર્ડ માટે પણ રાહ જોવી પડે છે.
પ્રયાગરાજ એરપોર્ટ પર અત્યાર સુધી 650 થી વધુ ચાર્ટર્ડ પ્લેન થયાં લેન્ડ
11 ફેબ્રુઆરીએ સૌથી વધારે 71 ચાર્ટર્ડ ફ્લાઇટ પ્રયાગરાજ ઉતરી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અહીં 8 ફેબ્રુઆરી બાદ પ્રતિદિન 60થી વધારે ચાર્ટર્ડ અને ખાનગી વિમાન લેન્ડ થઈ રહ્યાં છે. અત્યાર સુધી કુલ 650 ચાર્ટર્ડ ફ્લાઇટ અહીં ઉતરી ચુકી છે. સેલિબ્રિટી, વિદેશી રાજકારણ અને ફિલ્મ તેમજ મનોરંજન સાથે જોડાયેલાં હજારો લોક ચાર્ટર્ડથી આવીને મહાકુંભમાં સ્નાન કરી ચુક્યા છે. વળી, અત્યાર સુધી સતત આવા લોકોનું આવવાનું શરૂ છે. ચાર્ટર્ડ સિવાય સ્પાઇસજેટ, ઇન્ડિગો, એર ઈન્ડિયાની રેગ્યુલર ફ્લાઇટ પણ દર અઠવાડિયે લગભગ 300થી વધુ સંખ્યામાં પ્રયાગરાજ એરપોર્ટ પર ઉતરી રહી છે.
આ પણ વાંચોઃ મહાકુંભ જતાં 10 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો, પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક દિવસમાં જેટલાં લોકો પ્રયાગરાજ એરપોર્ટ પર ઉતરી રહ્યાં છે, તેટલાં પ્રયાગરાજમાં સામાન્ય દિવસોમાં એક મહિનામાં પણ નથી ઉતરતાં. એવામાં આ એક રેકોર્ડ છે. પ્રયાગરાજ હાલ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થઈ ગયું છે. જ્યાં હાલ સૌથી વધારે ચાર્ટર્ડ અને પ્રાઇવેટ પ્લેન પહોંચી રહ્યાં છે. નોંધનીય છે કે, આ પહેલાં શુક્રવારે (14 જાન્યુઆરી) મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા આવનાર લોકોની સંખ્યાં અંદાજિત 50 કરોડ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.