મહાકુંભ મેળો વકફ બોર્ડની જમીન પર યોજાઈ રહ્યો છે : મૌલાના શહાબુદ્દીન
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનથી હોબાળો
- મૌલાના શહાબુદ્દીને મહાકુંભમાં સેંકડો મુસ્લિમોના ધર્માંતરણની આશંકા વ્યક્ત કરતા સીએમ યોગીને પત્ર લખ્યો
બરેલી: દેશમાં વકફ બોર્ડ દ્વારા જમીનો-દુકાનો અને મકાનો પચાવી પાડવામાં આવ્યા હોવાના દાવા સાથે હિન્દુ સંગઠનો દ્વારા વકફ બોર્ડને ભંગ કરવાની માગ ઉઠી છે. બીજીબાજુ કેન્દ્ર સરકાર વકફ બોર્ડ પર નિયંત્રણ મૂકવા કાયદામાં સુધારા માટે બિલ લાવી છે. આ વિવાદો વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ મહાકુંભ મેળો વકફ બોર્ડની જમીન પર યોજાઈ રહ્યો હોવાનો દાવો કરીને નવો વિવાદ સર્જ્યો છે.
મુસ્લિમો મોટું હૃદય રાખી મેળો યોજવા દે છે છતાં મહાકુંભમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો, હિન્દુઓ મોટું હૃદય રાખે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જોરશોરથી મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં આ વખતે લગભગ દોઢ મહિનામાં ચાર કરોડથી વધુ શ્રદ્ધાળુઓના આગમનની આશા છે. આવા સમયે મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અખાડા પરિષદ સહિતના હિન્દુ સંગઠનો માગ કરી રહ્યા છે. આવા સમયે મૌલાના શહાબુદ્દીન બરેલવીના નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ રવિવારે કહ્યું કે, મહાકુંભનો મેળો વકફ બોર્ડની જમીન પર યોજાઈ રહ્યો છે. આ જમીન લગભગ ૫૪ વીઘા હોવાનું મનાય છે. મુસ્લિમોએ મોટું હૃદય રાખીને મહાકુંભના આયોજન સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. કુંભ મેળાની બધી જ વ્યવસ્થા વકફ બોર્ડની જમીન પર જ થઈ રહી છે. પરંતુ બીજીબાજુ અખાડા પરિષદ અને અન્ય બાબા લોકો મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. તેમણે આ પ્રકારની વિચારસરણી છોડવી જોઈએ અને મુસ્લિમો જેવું મોટું હૃદય બતાવવું જોઈએ.
મહાકુંભની તૈયારીઓ વચ્ચે મૌલાના શહાબુદ્દીન દરરોજ નવા નવા નિવેદનો કરીને વિવાદ સર્જી રહ્યા છે. આ પહેલાં તેમણે મહાકુંભમાં સેંકડો મુસ્લિમોનું ધર્મ પરિવર્તન કરાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સંબંધમાં મૌલાનાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ પ્રકારના કાર્યક્રમો રોકવા માગ કરી હતી. તેમણે યોગીને પત્રમાં લખ્યું હતું કે, મને માહિતી મળી છે કે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં સેંકડો મુસ્લિમોનું ધર્માંતરણ કરાશે. તમારા નેતૃત્વની ઉત્તર પ્રદેશ સરકારે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. આવા સંજોગોમાં કોઈપણ સંજોગોમાં કુંભ મેળવામાં મુસ્લિમોનું ધર્માંતરણ કરાવાશે તો તે ધર્માંતરણ કાયદાના દાયરામાં આવશે. તેને રોકવું જોઈએ.