આર્થિક સમૃદ્ધિનો મહાકુંભ: 1 હજાર કરોડ રૂપિયાના તો માત્ર ફૂલ વેચાશે, અઢી લાખ કરોડની આવકનો અંદાજ
MahaKumbh Mela 2025: આજથી શરૂ થઇ રહેલા મહાકુંભ મેળો હકીકતે તો આર્થિક સમૃઘ્ધિનો મહાકુંભ બની રહેવાનો છે. મહાકુંભને મહા બિઝનેસ સાથે સરખાવી શકાય છે. જ્યાં 40 કરોડ લોકો કુંભ સ્નાન માટે આવશે ત્યારે તેમની મોક્ષની ડૂબકીની સાથે તે કુંભ મેળા સાથે સંકળાયેલા આર્થિક ચક્રને પણ વેગવંતુ બનાવશે. કુંભમેળા સાથે સંકળાયેલા લોકોને રૂ. 2.5 લાખ કરોડની આવક થવાનો અંદાજ છે.
જેમાં ટુરીઝમ, હોટલ ઉદ્યોગ, નાના પાથરણા વાળા, ખુમચાવાલા અને મિઠાઇની તેમજ પ્રસાદની દુકાનોને 45 દિવસમાં ભારે ઘરાકીનો અનુભવ થશે. 2013માં આયોજિત કુંભ મેળામાં 2013ના કુંભમેળામાં 12,000 કરોડની આવક થઇ હતી, 2019માં રૂ. 1.2 લાખ કરોડની આવક થઈ હતી. આ વખતનું આયોજન અને પ્રચાર પ્રસાર એટલો બધો છે કે કમાણી વધી રૂ. 2.5 લાખ કરોડથી વધવાનો અંદાજ છે.
લાખો લોકોને મળશે રોજગારી
મહાકુંભ મેળામાં આવક વધવાની સાથે લાખો લોકોને રોજગારી પણ મળશે. અહીં રોજગારી માટે આવતા લોકોને એક શિફ્ટમાં કામ કરવું પડશે. કામની ત્રણ શિફ્ટ હશે. આખા મહાકુંભના દોઢ મહિનાના મેળા માટે દોઢ લાખ લોકોને નોકરી મળી છે. વિદેશથી આવતા પત્રકારો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેક પત્રકારની 40 કરોડ શ્રદ્ધાળુઓનો વહીવટ કેવી રીતે કરાય છે તે પર નજર છે.
સેવાભાવીઓ દ્વારા ભંડારાઓનું આયોજન
કુંભ મેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તે જાણીને આખું વિશ્વ કુંભ મેળાનું મેનેજમેન્ટ જાણવા મથી રહ્યા છે. વિશ્વમાં ક્યાંય આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થતા નથી. અનેક ધાર્મિક અને સેવાભાવી સંગઠનો શ્રદ્ધાળુઓને જમવા માટેના ભંડારા ખોલીને બેઠા છે. નાના વેપારીઓ અને ખુમચાવાળા કમાઇ શકે તે માટે તેમને બેસવાની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. ગુજરાતના સેવાભાવી લોકો પણ કુંભમેળાના સ્થળે ભંડારા ખોલીને બેઠા છે. આ ભંડારામાં લોકોને વિનામૂલ્યે જમવાનું તેમજ આરામ કરવાની સવલતો ઉભી કરાઇ છે.
24 કલાક ચાલતો રહે છે કુંભ મેળો
કુંભમેળામાં કોઇ ટહેલવા નથી જતું પણ પુણ્યનું ભાથું બાંધવા જઇ રહ્યા છે. લોકો સેવાભાવી કાર્યકરો સાથે બીન જરૂરી વિવાદમાં ઉતરીને ઘર્ષણ ઉભું ના કરે તેનું પણ ખાાસ ઘ્યાન રાખવામાં આવશે. કુંભ મેળાની ખાસિયત એ છે કે તે 24 કલાક ચાલતો રહેશે. લોકો વહેલી સવારના સ્નાન માટે આખી રાત જાગશે તેમની સાથે સેવાભાવી લોકો સિક્યોરીટી અને ગાઇડ કરનારા પણ જાગતા રહેશે. જેમણે કુંભમેળો જોયો છે તે જાણે છે કે તેમાં આવતા સંતો અને નાગા બાવા વગેરે વહેલી સવારે બ્રાહ્મ મૂહર્તમાં સ્નાન કરતા હોય છે.તેમના દર્શન કરવા પણ શ્રદ્ધાળુઓ પડાપડી કરતા હોય છે. આ સાઘુ સંતો સ્નાન માટે દોડ લગાવતાં હોય છે. આ મેળામાં કોઇ ખાલી પાથરણું પાથરે તો પણ જોતજોતામાં તે રૂપિયાથી છલકાઇ જાય છે. સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓની સ્નાન કરવાની જગ્યા પર સ્વયં સેવકો હાથમાં દોરડું બાંધીને ઉભા હોય છે અને તે શ્રદ્ધાળુઓને એક લિમિટથી આગળ નહીં જવા સમજાવે છે. કેમકે પાણીનો પ્રવાહ બહુ હોય છે અને પાણી ઉંડું પણ હોય છે.
કથા વાર્તાઓનું આયોજન
આ મેળામાં કથાઓ માટે લાખો રૂપિયા ખર્ચાય છે અને કરોડો રૂપિયાનું દાન થાય છે. મહત્વની વાત એ છે કે મોટા મોલવાળાના બદલે નાના ખુમચા અને પાથરણા વાળા માટે તે તેજીની સિઝન સમાન હોય છે. કુંભમેળામાં શ્રદ્ધાળુઓની નાનામાં નાની જરૂરિયાત જેવી કે ચા અને મોબાઇલની સવલતોનું ઘ્યાન રખાય છે. 1000 જેટલા મોબાઇલ ચાર્જીગ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. ઠેર ઠેર હેલ્પ લાઇન અને વીઆઇપી કલ્ચર અન્ય શ્રદ્ધાળુઓને પરેશાન ના કરે તેનું ખાસ ઘ્યાન રાખવાનું પ્લાનિંગ કરાયું છે.
કોટેજમાં રહેવાનો ખર્ચ રૂ. 1.10 લાખ
આપણે ત્યાં સામાન્ય ટ્રેન્ડ એવો છે કે ધાર્મિક પ્રવાસ દરમ્યાન લોકો છૂટા હાથે દાન કરે છે. લોકો મંદિરોમાં દાન કરે છે, ભોગ ચઢાવે છે અને પોતાના કુટુંબના બાળકો તેમજ વહુ-દીકરીઓ માટે યાદગીરી રૂપે કશુંક ખરીદી લાવે છે. કુંભ મેળામાં જવું એક લ્હોવો હોય છે. એક સમય હતો કે જ્યારે કુંભ મેળામાંથી લોકો ત્રસ્ત થઇને પાછા ફરતા હતા. કેટલાક છૂટા પડી જતા હતા અને પરેશાન થતા હતા. તેમને અવ્યવસ્થા સામે ફરિયાદો હતી તેમજ તેમને જમવાનું મળતું નહોતું.
મહાકુંભ નગરમાં બાંધવામાં આવેલા કોટેજમાં રહેવાનો ખર્ચ રૂ. 1.10 લાખ છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે આ ટેન્ટ અઠવાડિયા પહેલાં બુક થઇ ગયા છે. વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે પણ ખાસ ટેન્ટ તૈયાર કરાયા છે.
રૂ. 2000 કરોડની પૂજા સામગ્રી વેચાશે
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કહ્યું છે કે રોજીંદા જીવનની ચીજો ખરીદવાની માત્રા 17310 કરોડ પર પહોંચવાની ધારણા છે. આ ફેડરેશન કહે છે કે પૂજા માટેની સામગ્રીનો વેચાણનો આકડો 2000 કરોડ, જ્યારે 1000 કરોડથી વધુની કિંમતના ફૂલો વેચાશે. 4000 કરોડના કરોડના ડેરી ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, માખણ વગેરે વેચાશે. કરિયાણાનો સામાન રૂ. 2000 કરોડનો વેચાવાની સંભાવના છે. હોસ્પિટાલિટી સેક્ટરને રૂ. 2500 કરોડ જ્યારે ટુરિઝમ ઉદ્યોગ રૂ. 300 કરોડની કમાણી કરશે. રાજ્ય સરકારે કુંભ મેળા માટે રૂ. 2500 કરોડ ફાળવ્યા છે જ્યારે કેન્દ્ર સરકારે પણ રૂ. 2100 કરોડનું સ્પેશ્યલ પેકેજ આપ્યું છે. વર્તમાન ડિજીટલ યુગ પણ લોકોની મોક્ષની ગતિ માટેની શ્રઘ્ધાને ડગમગાવી શક્યો નથી 45 દિવસમાં 40 કરોડ લોકોનો અવિરત માનવ મહેરામણ ઉમટી પડશે.
કુંભ મેળાનો વહિવટ અગ્નિ પરીક્ષા સમાન
રેલ્વે તરફથી 3000 વિશેષ ટ્રેનો સહિત 13,000 ટ્રેનોની સવલતો ઉભી કરાઇ છે. 200 એ.સી બસો સહિત 7000થી વધુ બસો તેમજ 200થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ પણ તૈયાર રખાઇ છે.જે સમારોહ 2.5 લાખ કરોડની આવક કરી આપતો હોય તે સમાજની આર્થિક સદ્ધરતા પણ વધારી શકે છે.
આગામી કુંભ ક્યારે અને ક્યાં યોજાશે
12 વર્ષ પછી, 2028માં, 27 માર્ચથી 27 મે દરમિયાન, ઉજ્જૈનમાં સિંહસ્થ મહાપર્વનું આયોજન કરવામાં આવશે. આ મહા ઉત્સવમાં, 9 એપ્રિલથી 8 મે દરમિયાન, 3 શાહી સ્નાન અને 7 ઉત્સવ સ્નાનનો પ્રસ્તાવ છે. ઉજ્જૈનમાં કુંભ મેળો શિપ્રા નદીના કિનારે ભરાય છે. આ કુંભમાં 14 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે છે તેવો અંદાજ છે. આ પહેલા 2016માં મઘ્યપ્રદેશમાં સિંહસ્થ મહાકુંભનું આયોજન થયું હતું. ઉજ્જૈનમાં યોજાતા કુંભને સિંહસ્થ કુંભ કહેવામાં આવે છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે, ત્યારે ઉજ્જૈનમાં મહાકુંભનું આયોજન થાય છે.
કુંભની આવક પર એક નજર...
- 2013ના કુંભમેળામાં 12,000 કરોડની આવક થઇ હતી, 2019માં રૂ. 1.2 લાખ કરોડની આવક થઇ હતી. કુંભ મેળામાં રૂ. 2.5 લાખ કરોડની કમાણી થશે.
- રોજિંદા જીવનની ચીજો ખરીદીનો આંકડો રૂ. 17,310 કરોડ વટાવશે
- પૂજા માટેની સામગ્રીનો વેચાણ આંકડો રૂ. 2000 કરોડથી વધશે
- 1000 કરોડથી વધુના ફૂલો વેચાશે
- 4000 કરોડના ડેરી ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, માખણ વગેરે વેચાશે.
- કરિયાણાનો સામાન પાછળ રૂ. 2000 કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના છે.
- હોસ્પિટાલિટી સેક્ટર 2500 કરોડનું કામ કરશે
- ટૂરીઝમ ઉદ્યોગ 300 કરોડ કમાઇ ચૂક્યું છે.