ચેતવણી! મહાકુંભને બદનામ કર્યો તો ખેર નહીં... પોલીસે 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ નોંધી FIR
Prayagraj Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં માનવમહેરામણ જોવા મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓ 144 વર્ષે યોજાનારા મહાકુંભમાં અનેરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરતાં રહે છે, જેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભ્રામક અને ખોટા વીડિયો પોસ્ટ કરી અફવા ફેલાવનારા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે.
મહાકુંભની આગ મામલે ઈજિપ્તનો વીડિયો શેર
પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. થોડા દિવસો પહેલા મહાકુંભમાં એક સ્થળે આગ લાગી હતી, જેના વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી છે. પોલીસે મહાકુંભમાં લાગેલી આગના વીડિયોની તપાસ કરતાં તે વીડિયો ઈજિપ્તમાં લાગેલી આગના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એક્સ એકાઉન્ટ અને એક યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં પટણાના વીડિયોને મહાકુંભ દેખાડનારા સાત ફેસબુક અને આઠ એક્સ એકાઉન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
પોલીસની ચેતવણી
ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. અત્યાર સુધીમાં 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. ડીજીપીએ તમામને અપીલ કરી છે કે, ફેક વીડિયો અને ખોટા અહેવાલો પોસ્ટ અને શેર ન કરે.
આ પણ વાંચો : મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ગત વર્ષના વીડિયોને મહાકુંભનો વીડિયો દર્શાવાયો
કુંભ મેલા પોલીસે એક પોસ્ટમાં કહ્યું કે, ગત વર્ષ 2024માં બિહારના પટણામાં ઘટના બની હતી, જેનો વીડિયો પોસ્ટ કરીને તેને મહાકુંભનો હોવાનું બતાવી અફવા ફેલાવવામાં આવી. આ મામલે પોલીસે વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ તથ્યો ચકાસ્યા વગર સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટ ન કરે.
કાહિરામાં લાગેલી આગનો વીડિયો મહાકુંભનો બતાવી પોસ્ટ કરાયો
આવી જ રીતે વર્ષ 2020માં ઈજિપ્તના કાહિરામાં આગ લાગી હતી, જેને કેટલાક લોકોએ મહાકુંભનો હોવાનું કહી અફવા વાયરલ કરી હતી. પોલીસે કહ્યું કે, કાહિરાની આગનો વીડિયો મહાકુંભનો બતાવી અફવા ફેલાવનારા સાત સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : મોદી-ટ્રમ્પની ડીલથી ગભરાયું પાકિસ્તાન! કહ્યું- ‘તેઓ સ્થાયી શાંતિ સ્થાપવા માંગતા નથી’