હાઇવે પર ચક્કાજામ, ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નહીં: પ્રયાગરાજ જ નહીં MP સુધી લોકો પરેશાન
Mahakumbh Traffic Jam: 3 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 43 કરોડ લોકોએ ડૂબકી લગાવી છે. એવામાં લોકો પ્રયાગરાજ ટ્રાફિક જામથી પરેશાન છે. હજુ મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે એટલે કે મહાકુંભમાના હજુ 16 દિવસ બાકી છે. એવામાં જો તમે પણ મહાકુંભ જવાનું વિચારી રહ્યા હોય તો નીકળતાં પહેલા ટ્રાફિકની સ્થિતિ અવશ્ય તપાસો. જો તમે આવું ન કરો તો તમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મહાકુંભ જવાના 300 કિલોમીટરના માર્ગ પર ટ્રાફિકજામ
પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર છેલ્લા 70 કલાકથી સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા ભારે ટ્રાફિક જામને કારણે મહાકુંભમાં જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓ નેશનલ હાઇવે પર ફસાયેલા છે. અહેવાલો અનુસાર, લગભગ 300 કિલોમીટરના માર્ગ પર જામના કારણે વાહનો આગળ વધી શકતા નથી.
જાણો શા માટે છે આટલો ટ્રાફિકજામ
12 ફેબ્રુઆરીના દિવસે માઘ પૂર્ણિમા પણ છે, આ દિવસે કુંભમાં સ્નાન કરનાર ભક્તોની વધુ ભીડ હોય છે. તેમજ મહાકુંભના કારણે કાશી અને અયોધ્યામાં દર્શન કરવા આવતા લોકોનો ધસારો પણ વધી ગયો છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
મહાકુંભ જનારાઓને સલાહ
15મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ જવાનું ટાળો. તેમજ 12મી ફેબ્રુઆરીએ માઘ સ્નાન પર પણ ભક્તોની ભીડ રહેશે. તેમજ 13મી ફેબ્રુઆરીએ બાકી રહેલા ભક્તો સ્નાન કરશે. 15મી સુધી અયોધ્યા-કાશીના દર્શન કરીને ભક્તો ટ્રેનમાં ઘરે જવા નીકળી જશે. આથી આ દિવસો દરમિયાન સંગમ જવાનું ટાળો.
જાણો ક્યાં કેટલો ટ્રાફિકજામ છે
મધ્યપ્રદેશના રીવાથી પ્રયાગરાજ સુધીના માર્ગ પર, આગ્રાથી પ્રયાગરાજ જવાના માર્ગ પર, ગોરખપુરથી પ્રયાગરાજ જવાના માર્ગ પર ટ્રાફિકજામ છે. આ સિવાય બનારસથી પ્રયાગરાજ સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જામ છે. લહરતરા રોડ પર તેમજ સોનભદ્રથી પ્રયાગરાજના રસ્તા પર પણ ટ્રાફિકજામ છે. એવું કહેવું પણ ખોટું નથી કે મધ્ય પ્રદેશની બોર્ડરથી લઈને પ્રયાગરાજમાં પ્રવેશતા સુધી દરેક રસ્તા જામ છે.
મહાકુંભના કારણે મધ્યપ્રદેશમાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને સીએમ મોહન યાદવે લોકોને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવાની અપીલ કરી છે. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ પહોંચતા રસ્તાઓ પર 10-15 કિલોમીટર લાંબો જામ છે.