મહાકુંભમાં હવે વસંત પંચમીએ અમૃત સ્નાન: કાશી અને અયોધ્યામાં પણ ઍલર્ટ, નિયમો બદલાયા
Mahakumbh 2025: વસંત પંચમીના અવસર પર 'અમૃત સ્નાન' ને લઈને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાકુંભમાં વધતી ભીડના કારણે વારાણસી અને અયોધ્યાના મંદિરોમાં 'દર્શન'ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વારાણસીમાં 'કાશી વિશ્વનાથ મંદિર' અને અયોધ્યામાં 'રામ મંદિર'માં શ્રદ્ધળુઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. જેથી વધુને વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી શકે. બીજી તરફ પ્રમુખ ઘાટો પર થતી 'ગંગા આરતી'નો સમય 1 કલાકથી ઘટાડીને 10 મિનિટનો કરી દેવામાં આવ્યો છે જેથી ભારે ભીડ એકઠી ન થાય.
શું-શું ફેરફાર કરવામાં આવ્યો?
એક અહેવાલ પ્રમાણે જિલ્લા વહીવટીતંત્રે ગંગા આરતીના સમયની સાથે-સાથે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કર્યા છે. વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે જણાવ્યું કે, 'વારાણસીમાં ભક્તોની સંખ્યા હવે દરરોજ 30-40 લાખ સુધી પહોંચી ગઈ છે. જે મહાકુંભને કારણે છે. ઘણા યાત્રાળુઓ અન્ય રાજ્યોના છે. મહાકુંભમાં આવતા પહેલા ઘણા ભક્તો કુંભની સાથે-સાથે વારાણસી, મિર્ઝાપુર, અયોધ્યા અને ચિત્રકૂટમાં પણ દર્શન કરવાની યોજના બનાવે છે.'
તેમણે આગળ કહ્યું કે, 'કાશી વિશ્વનાથ મંદિરમાં નિયમિત દર્શનનો સમય સવારે 4:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી છે, જેમાં સવારે 3 વાગ્યે મંગલા આરતી પણ સામેલ છે. ભીડ ઓછી કરવા માટે હવે મંદિરમાં દર્શનનો સમય સવારે 4:00 વાગ્યાથી રાત્રે 1:00 વગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. દરરોજ સાંજે ઘાટ પર થતી ગંગા આરતીનો સમય એક કલાકથી ઘટાડીને 10 મિનિટનો કરી દેવામાં આવ્યો છે. આ આરતી હવે માત્ર પ્રતીકાત્મક રૂપે 10 મિનટ માટે થશે.'
અયોધ્યામાં પણ થયા ફેરફાર
બીજી તરફ અયોધ્યા રામ મંદિરમાં પણ દર્શનના સમયને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. અયોધ્યાના ડિવીઝનલ કનિશનર ગૌરવ દયાલે જણાવ્યું કે, 'શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે રામલલા મંદિરમાં દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં ભક્તો માટે દર્શનનો સમય સવારે 7:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી હોય છે. પરંતુ હવે આ સમયમાં ફેરફાર કરીને સવારે 5:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.'
આ પણ વાંચો: મહાકુંભમાં નાસભાગ બાદ 5 મૃતદેહોની ઓળખ બાકી તો 24ની તસવીરો કેમ જાહેર કરી, ઊઠ્યાં સવાલ
તેમણે આગળ કહ્યું કે, 'મહાકુંભ પહેલા મંદિરમાં દરરોજ આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 70-80 હજાર હતી. પરંતુ હવે આ સંખ્યા વધીને 3થી 4 લાખ થઈ ગઈ છે. પરંતુ જો અમે અયોધ્યામાં રોજ આવતા કુલ શ્રદ્ધાળુઓની વાત કરીએ તો આ સંખ્યા હવે 10-15 લાખે છે.'
આ અગાઉ મંદિર ટ્રસ્ટે એક નિવેદન જારીને કરીને આસપાસના જિલ્લાના લોકોને અપીલ કરી હતી કે, 'તમે આગામી 15-20 દિવસ સુધી અયોધ્યા ન આવો, જેથી કરીને બીજા રાજ્યના તીર્થયાત્રીઓ શાંતિથી દર્શન કરી શકે.'