Get The App

મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ 1 - image


- ઈડીની વિનંતીથી ઈન્ટરપોલે રેડ નોટિસ જારી કરતા

- એપના માલિકો સામે બેટિંગની ગેરકાયદે આવકથી છત્તીસગઢની ચૂંટણી પર અસર પહોંચાડવાનો આરોપ

નવી દિલ્હી : ઓનલાઈન બેટિંગ એપ મહાદેવના બે મુખ્ય માલિકો પૈકી એક રવિ ઉપ્પલની દુબઈની સ્થાનિક પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે અટક કરવામાં આવી છે. ૪૩ વર્ષના ઉપ્પલને ભારત લાવવા ઈડી દુબઈ પ્રશાસન સાથે સંપર્કમાં છે. મહાદેવ બેટિંગ એપના માલિકો સામે હજારો કરોડના મની લોન્ડરીંગનો આરોપ છે.

છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ ઉપરાંત ઈડી દ્વારા કથિત ગેરકાયદે બેટિંગ સાથે સંકળાયેલા મની લોન્ડરીંગ કેસમાં ઉપ્પલની તપાસ થઈ રહી છે.  ઈડીએ આ ઈન્ટરનેટ આધારીત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદાવરકર સામે છત્તીસગઢના રાયપુરમાં ઓક્ટોબરમાં પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) સમક્ષ મની લોન્ડરીંગ ચાર્જ દાખલ કર્યો છે. ઈડીની વિનંતીના આધારે ઈન્ટરપોલે રેડ નોટિસ જારી કરી હતી.

ઈડીના આરોપ અનુસાર ઉપ્પલે બેટિંગમાંથી મળેલી આવકનો ઉપયોગ ચંદ્રભુષણ વર્મા દ્વારા છત્તીસગઢના અધિકારીઓ અને રાજકરણીઓને પૈસા મોકલવા માટે કર્યો હતો. ઈડીના મતે આ કેસમાં રકમનો આંકડો રૃા. છ હજાર કરોડ જેટલો થાય છે.

ઈડીએ નવેમ્બરમાં દાવો કર્યો હતો કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા અગાઉ અસીમ દાસ નામના કેશ કૂરીયર દ્વારા કરાયેલા નિવેદન અને ફોરેન્સીક વિશ્લેષણથી તેમને જાણકારી મળી હતી કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભુપેષ બઘેલને અત્યાર સુધી રૃા. ૫૦૮ કરોડ ચુકવ્યા હતા. જો કે દાસે ત્યાર પછી કોર્ટમાં આવું કંઈ કહ્યું હોવાનો અને રાજકરણીઓને પૈસા મોકલ્યા હોવાનો ઈન્કાર કર્યો હતો.

ઈડીની તપાસમાં જાણ થઈ હતી કે મહાદેવ ઓનલાઈન બેટિંગ એપનું દુબઈમાં કેન્દ્રવર્તી મુખ્ય ઓફિસમાંથી સંચાલન થાય છે. બેટિંગમાંથી મળતી આવક મોકલી દેવા મોટાપાયે હવાલા કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત ભારતમાં નવા વપરાશકારોને આકર્ષવા જાહેરાત પાછળ પણ વિશાળ ખર્ચ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News