મહાદેવ એપ : દુબઈના હવાલા ઓપરેટરની 580 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં
- મની લોન્ડરિંગ અંતર્ગત ઈડીની કાર્યવાહી
- દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, રાયપુર, ઈન્દોર સહિત દેશભરમાં ઈડીના દરોડા : 3.64 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત
નવી દિલ્હી : મહાદેવ ઓનલાઈન ગેમિંગ-બેટિંગ એપ કેસમાં ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરી હતી. પાટનગર દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ઈન્દોર સહિત કેટલાય શહેરોમાં ઈડીએ દરોડા પાડયા હતા. દુબઈના હવાલા ઓપરેટરની ૫૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. હવાલા ઓપરેટરના કેટલાય સાગરિતો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના પુરાવાના આધારે ઈડીએ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહાદેવ ઓનલાઈન ગેમિંગ-બેટિંગ એપમાં ઈડીએ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. એમાં નીતીશ દીવાન અને ગિરિશ તલરેજા એમ બે આરોપીઓનો ઉમેરો થયો હતો. ઈડીએ સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડયા હતા.
દિલ્હી, મુંબઈ, રાયપુર, કોલકાત્તા, ગુરુગ્રામ, ઈન્દોર, ભોપાલ સહિત ૧૭ સ્થળોએ દરોડા પાડયા હતા. મૂળ કોલકાત્તાના પણ હવે દુબઈમાં રહેલા એક હવાલા ઓપરેટર હરિશંકર તિબરેવાલની ૫૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
કોલકાત્તા સ્થિત તેની અને તેના સહયોગીઓની પ્રિમાઈસિસ પર દરોડા પાડયા એ દરમિયાન ૧.૭૮ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. જુદા જુદા સ્થળોએ પાડેલા દરોડામાં કુલ ૩.૬૪ કરોડ રૂપિયાની રોકમ જપ્ત થઈ હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ)ના નામે આ હવાલા ઓપરેટરના પૈસા એપમાં રોકાયા હતા. દુબઈમાં રહેતા આ હવાલા ઓપરેટરે એપના પ્રમોટરો સાથે સાંઠગાંઠ કરીને સટ્ટેબાજીને ઉત્તેજન આપ્યું હતું અને તેનું સંચાલન પણ કર્યું હતું. એપના માલિક રવિ ઉપ્પલને ઈડીએ પહેલાં જ પકડીને કાર્યવાહી કરી હતી.
તેને દુબઈથી પકડયો હતો અને એ અત્યારે જેલમાં છે.