મહાદેવ બેટિંગ એપ : 15000 કરોડના કૌભાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, જાણો કોની કરી ધરપકડ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SITને મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મામલે મોટી સફળતા મળી

એસઆઈટીએ 15000 હજાર કરોડની છેતરપિંડી કેસમાં પ્રથમ ધરપકડ કરી

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ : 15000 કરોડના કૌભાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, જાણો કોની કરી ધરપકડ 1 - image


Mahadev Betting App Scam : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ની વિશેષ તપાસ ટીમ (SIT)ને ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મામલે મોટી સફળતા મળી છે. એસઆઈટીએ 15000 હજાર કરોડની છેતરપિંડી કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે શુક્રવારે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ 27 વર્ષિય દીક્ષિત કોઠારી (Dixit Kothari) છે. ગત વર્ષે કોર્ટના આદેશ બાદ માટુંગા પોલીસે મહાદેવ બેટિંગ એપ મામલે કેસ નોંધ્યો હતો અને બાદમાં કેસની તપાસ માટે એસઆઈટી બનાવાઈ હતી. દીક્ષિત કોઠારીને ટૂંક સમયમાં કોર્ટમાં રજુ કરવામાં આવશે અને મુંબઈ પોલીસ (Mumbai Police) તેની કસ્ટડી પણ માંગ માંગી શકે છે.

30થી વધુ લોકો વિરુદ્ધ કેસ

મુંબઈ પોલીસે ચીટિંગ અને જુગાર રમાડવાના આરોપમાં એપ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ 8મી નવેમ્બરે એફઆઈઆર નોંધી હતી, જેમાં માટુંગા પોલીસ સ્ટેશનમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ કેસ નોંધાયા, બાદમાં કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ એસઆઈટીની રચના કરાઈ. વાસ્તવમાં આ મામલે સામાજિક કાર્યકર્તાએ નિચલી અદાલતમાં અરજી દાખલ કરી એપ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. કોર્ટે સુનાવણી દરમિયાન માટુંગા પોલીસને કેસ નોંધવા આદેશ આપ્યો હતો.

15000 કરોડની છેતરપિંડી

પોલીસે કહ્યું હતું કે, સૌરભ, રવિ વગેરે વિરુદ્ધ આઈપીસીની કલમ 420 (ચિટીંગ), 120-B (ષડયંત્ર), આઈટી એક્ટ (સાઈબર ક્રાઈમ) અને ગેમ્બલિંગ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીઓએ લગભગ 15000 કરોડની છેતરપિંડી આચરી છે.

એપના એજન્ટના ચોંકાવનારા ખુલાસા કોંગ્રેસનું નામ

ઈડીએ દાવો કર્યો હતો કે, તેણે 5.39 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ મહાદેવ બેટિંગ એપના એજન્ટ અસીમ દાસની રાયપુરમાંથી ધરપકડ કરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, એપના પ્રમોટરોએ અસીમને યુએઈ મોકલ્યો હતો. એવો પણ આરોપ લગાવાયો છે કે, એજન્ટને છત્તીસગઢ ચૂંટણી માટે કોંગ્રેસને મોટાપ્રમાણમાં રોકડ પહોંચાડવાનું કામ અપાયું હતું. એજન્સીના સત્તાવાર નિવેદન મુજબ અસીમ દાસે સ્વિકાર્યું હતું કે, એપના પ્રમોટરે જપ્ત કરેલી રોકડ છત્તીસગઢમાં આગામી ચૂંટણીના ખર્ચ કરવા એક રાજકીય નેતા (બધેલ) સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

મામલો શું હતો? 

ગત નવેમ્બરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, EDએ 2 નવેમ્બરે રાયપુરમાં એપ સાથે જોડાયેલા કેશ કુરિયરમાંથી 5.39 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. એવી ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, આ પૈસા કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે લાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) માટે હતું. EDનો આરોપ છે કે ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં એપ પ્રમોટર્સ પાસેથી રૂ. 500 કરોડથી વધુ રકમ મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે આ એપના પ્રમોટરોએ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ આ અંગે વિવાદ સર્જાયો હતો. કેન્દ્ર સરકારે મહાદેવ સટ્ટાબાજીની એપ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

રેન્ટલ એકાઉન્ટ પર કરોડોનું ટ્રાન્ઝેક્શન

ઓગસ્ટ-2023માં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અધિકારીઓના મુજબ છેલ્લા એક વર્ષમાં 'મહાદેવ એપ' દ્વારા 5,000 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. તેનું સંચાલન છત્તીસગઢથી કરવામાં આવી રહ્યું હતું. છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં તેના 30 કેન્દ્રો હતા. દરેક કેન્દ્રમાંથી લગભગ 200 કરોડ રૂપિયાના વ્યવહારો થયાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. 2022માં લગભગ 10 લાખ લોકોએ મહાદેવ ગેમિંગ એપ પર દાવ લગાવ્યો હતો. આ સટ્ટો રૂ.500થી રૂ.5000 સુધીનો હતો. મહાદેવ એપ ઓપરેટ કરતા લોકો ગરીબ લોકોના ખાતા ઉછીના લેતા હતા અને તેમાં છેતરપિંડીના પૈસા જમા કરાવતા હતા.

છેતરપિંડી કરી રૂપિયા વિદેશ મોકલવામાં આવતા હતા

EDએ આ મામલે 9 ડિસેમ્બર, 2022ના રોજ દુર્ગ પોલીસને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ માટે બેંકિંગ વ્યવહારોની માહિતી માંગવામાં આવી હતી. ED અનુસાર, ઑનલાઇન ગેમિંગ એપ્લિકેશન સંબંધિત મોટાભાગના કેસ ભિલાઈના સુપેલા પોલીસ સ્ટેશન અને દુર્ગ જિલ્લાના મોહનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. દુર્ગ પોલીસને લખેલા પત્રમાં ઈડીએ તે બેંક ખાતાઓની વિગતો અને એફઆઈઆરની નકલ માંગી હતી. ત્યારબાદ દુર્ગના તત્કાલિન એસપીએ પણ મહાદેવ એપને લઈને જિલ્લામાં એક ઝુંબેશ ચલાવી હતી, જેમાં ઘણા કોર્પોરેટ એકાઉન્ટ્સ શેલ કંપનીઓ સાથે જોડાયેલા મળી આવ્યા હતા, જેમાંથી છેતરપિંડી કરીને વિદેશમાં નાણાં મોકલવામાં આવતા હતા. પોલીસે ઓનલાઈન એપના કનેક્શન અન્ય રાજ્યોમાં હોવાનું જણાવ્યું હતું.

કેવી રીતે લત લગાવી છેતરપિંડી કરાય છે

આ ગેમની શરૂઆતની કિંમત રૂ.500થી શરૂ થાય છે. જો ગ્રાહક હારી જાય તો પણ તેઓ જીત્યા હોવાનું દર્શાવવામાં આવે છે અને તેમને પૈસા મોકલવામાં આવે છે. આ રૂપિયા ખાતામાં પહોંચે છે. આ એપમાં લોકોને જીતમાં નાની રકમ મળતી રહે છે. સટ્ટાખોરોને સતત જીત અપાવીને તેમનો વિશ્વાસ જીતીને, તેઓ સટ્ટાબાજીની લતમાં લગાવી દેવામાં આવે છે અને પછી જ્યારે કોઈ મોટી રકમનો દાવ લગાવે છે ત્યારે તે હારી જાય છે. ઓછા સમયમાં મોટી કમાણી અને વધુ કમાણી કરવાના લોભમાં ઘણા લોકો પોતાની મહેનતની કમાણી આ ઓનલાઈન સટ્ટા એપમાં ખર્ચ પણ કરે છે. ઓનલાઈન ગેમના સોફ્ટવેરની કમાન્ડ ઓપરેટરોના હાથમાં હોવાથી ખેલાડીની હાર લગભગ નિશ્ચિત હોય છે.


Google NewsGoogle News