CM યોગી પર અખિલેશનો વળતો પ્રહાર, '100 કરોડ શ્રદ્ધાળુઓ માટે તૈયારી' વાળો વીડિયો કર્યો પોસ્ટ
Political Controversy on Maha kumbh : મહાકુંભમાં નાસભાગ બાદ શ્રદ્ધાળુઓના થયેલા મોત મામલે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે. આ દરમિયાન મંગળવારે (4 ફેબ્રુઆરી) સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંસદમાં આ મુદ્દો ઉઠાવીને યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા હતા. જે પછી થોડાક જ કલાકોમાં યોગી આદિત્યનાથે અખિલેશ યાદવને વળતો જવાબ આપ્યો હતો અને હવે અખિલેશ યાદવે આ મામલે ફરી નિવેદન આપતા બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂં થયું છે.
શું છે સમગ્ર ઘટના?
અખિલેશ યાદવે સંસદમાં યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા હતા, જે પછી યોગીએ અખિલેશ પર વળતો પ્રહાર કર્યો હતો કે, 'મેં ક્યારેય કહ્યું નથી કે 100 કરોડ ભક્તો આવશે. અખિલેશ યાદવ ખોટું બોલી રહ્યા છે.' જેના પર અખિલેશ યાદવે 'એક્સ' પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં CM યોગી 100 કરોડ ભક્તો માટેની તૈયારીઓ વિશે વાત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હરિયાણામાં FIR, યમુનામાં 'ઝેર' ભેળવવાનું આપ્યું હતું નિવેદન
મહાકુંભમાં થઇ હતી નાસભાગ
મહાકુંભમાં મૌની અમાસ પર સંગમ ઘાટ પર નાસભાગ મચી ગઈ હતી. સરકારનો દાવો છે કે, આ ઘટનામાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા હતા. પરંતુ વિપક્ષનો દાવો છે કે અહીં સરકારી આંકડા કરતા વધુ લોકો માર્યા ગયા છે. અકસ્માત બાદથી અખિલેશ યાદવે સીએમ યોગી સામે સીધો મોરચો ખોલી દીધો છે. તેમણે કહ્યું કે, 'મહાકુંભની વ્યવસ્થા કરવાને બદલે, એક ઇવેન્ટ કરાઇ છે. દાવો 100 કરોડ લોકો માટેની વ્યવસ્થાનો કરાયો હતો, જ્યારે પરિસ્થિતિ 6 થી 7 કરોડ લોકોને સંભાળવા માટે પણ પૂરતી નહોતી. લાખો લોકો સ્નાન કર્યા વિના પાછા ફરી રહ્યા છે.'
યોગી આદિત્યનાથે આપ્યો જવાબ
સીએમ યોગીએ અખિલેશ યાદવના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, '100 કરોડ લોકોના આગમનનો ક્યારેય દાવો કરાયો નથી. સપા પ્રમુખનું નિવેદન હાસ્યાસ્પદ છે. તેમણે નિવેદન થોડું વાંચવું જોઈએ. આ લોકો 12 વાગ્યા પછી ઊંઘમાંથી ઉઠે છે. ઓફિસ સ્ટાફ જે પ્રકારે નોંધ બનાવી આપે છે, તેને વાંચી લે છે. આ લોકો લીડરની જેમ નહીં પણ રીડરની જેમ વાંચીને પોતાને હાસ્યનો વિષય બનાવે છે. મેં વારંવાર કહ્યું છે કે આ મહાકુંભમાં 40 થી 45 કરોડ લોકો ભાગ લેશે અને છેલ્લા 22 દિવસમાં 38 કરોડ ભક્તો અહીં આવ્યા છે.'
આ પણ વાંચોઃ કાલે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવશે વડાપ્રધાન મોદી, ત્રિવેણી ઘાટ પર કરશે ગંગા આરતી
અખિલેશ યાદવનો વળતો પ્રહાર
સીએમ યોગી પર વળતો પ્રહાર કરતા, અખિલેશ યાદવે એક્સ પર એક વીડિયો શેર કર્યો, જેમાં સીએમ યોગી કહી રહ્યા છે કે, '13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ સુધી પ્રયાગરાજમાં યોજાનારા આ મહાકુંભમાં કુલ 40 કરોડ ભક્તો હાજરી આપશે. પરંતુ આપણે 100 કરોડ ભક્તો માટે વ્યવસ્થા કરવી પડશે. આપણે ધારી રહ્યા છીએ કે 29 જાન્યુઆરીએ, મૌની અમાસના દિવસે, મુખ્ય મુહૂર્ત દરમિયાન, છ કરોડ ભક્તો એક દિવસમાં સ્નાન કરશે. પણ આપણે 10 કરોડ ભક્તો માટેની તૈયારી કરીશું. સંપૂર્ણ તૈયારી રહેશે.' જોકે, આ વીડિયોને લઇને ભાજપ કે સીએમ યોગી તરફથી કોઇ જવાબ અપાયો નથી.