મહાકુંભમાં નાસભાગ બાદ રેલવેએ ઉતાવળીયો નિર્ણય ફેરવી તોળ્યો, કહ્યું- સ્પેશિયલ ટ્રેન દોડશે
Maha Kumbh Special Train: મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી હતી. આ દરમિયાન એવા અહેવાલો વહેતા થયા હતા કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેળાની વિશેષ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ મહાકુંભ માટે કોઈ ખાસ ટ્રેન રદ કરવામાં આવી નથી. બધી સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન પહેલાની જેમ જ ચાલુ રહેશે.
અગાઉ ખાસ ટ્રેનને જ રોકવામાં આવી હતી
અહેવાલો અનુસાર, અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે ડિવિઝનના વાણિજ્યિક મેનેજર મનીષ કુમારે જણાવ્યું હતું કે, 'પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેળાની વિશેષ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. આગામી આદેશ સુધી નિયમિત ટ્રેનો દોડતી રહેશે.' પ્રયાગરાજમાં મોટી ભીડ અને નાસભાગને કારણે ખાસ ટ્રેનો બંધ કરવાની ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી જેમાં અત્યાર સુધીમાં 10થી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નાસભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી.