મહાકુંભમાં નાસભાગ બાદ હવે ભીષણ આગ લાગી, અનેક ટેન્ટ બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં
Maha Kumbh Mela Tent City Fire: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બુધવારે (29 જાન્યુઆરી) થયેલી નાસભાગ બાદ આજે (30 જાન્યુઆરી) મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી હતી. ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. જો કે, આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ચીફ ફાયર ઓફિસર પ્રમોદ કુમાર શર્માએ જણાવ્યું કે, સેક્ટર 22માં આગ લાગવાની માહિતી મળી હતી. ઘટના સ્થળ પર અનેક ફાયર વિભાગની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. માનવામાં આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટથી આગ લાગી છે.