આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન, એક કરોડથી વધુ શ્રદ્ધાળુ સ્નાન કરશે
- અત્યાર સુધીમાં દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું, 15 હજાર સફાઇકર્મીઓ રેકોર્ડ સ્થાપશે
- સમગ્ર કુંભ વિસ્તારને નો-વિહિકલ ઝોન જાહેર કરાયો, સંતો મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રીના પુજાપાઠ કરશે
- મક્કા હજ માટે 1.4 કરોડ, વેટિકન સિટી 80 લાખ લોકો જાય છે, માત્ર અયોધ્યામાં જ 16 કરોડ લોકોનું સ્વાગત કરાયું : યોગી
Maha Kumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં બુધવારે મહાશિવરાત્રીના રોજ અંતિમ પવિત્ર સ્નાન કરવામાં આવશે, જે સાથે જ આ મહાકુંભનું સમાપન થશે. લાખો લોકો હાલ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જે લોકો પહોંચી ગયા છે. તેમણે મંગળવારની રાત્રે 12 વાગ્યા બાદ સ્નાનનો લાભ લઇ લીધો હતો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજને નો-વિહિકલ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને પગલે કોઇ વાહનને મેળાના વિસ્તારમાં પ્રવેશવા નહીં દેવાય. બહાર જ તેને પાર્ક કરી દેવા પડશે. આ નિર્ણય મહાકુંભના સમાપન સુધી લાગુ રહેશે. અંતિમ દિવસ પૂર્વે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે મહાકુંભમાં ડુબકી લગાવનારાની કુલ સંખ્યા ૬૫ કરોડને પાર પહોંચી ગઇ છે.
મંગળવારે મહાકુંભનો 4મો દિવસ હતો, જ્યારે અંતિમ અને ૪૫માં દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રીની પુજા કરશે. અંતિમ શાહી સ્નાનની પૂર્વ તૈયારીના ભાગરુપે સમગ્ર પ્રશાસન એલર્ટ થઇ ગયું છે, જવાબદારી સંભાળનારા અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી યોગીના આદેશ પર બોલાવાયેલી બેઠકમાં ડીઆઇજી, કમિશનર, કલેક્ટર સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રશાસને 48 કલાકમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અગાઉ મૌની અમાસે નાસભાગમાં ૩૦ લોકો માર્યા ગયા હતા તેવી કોઇ ઘટના ફરી ના થાય તેની તકેદારી માટે આ ઇમર્જન્સી બેઠક બોલાવાઇ હતી. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂમ શરૂ કરાયો છે.
અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોએ જવાની છૂટ અપાશે, મહાકુંભની શરૂઆત થઇ ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવુ અનુમાન લગાવ્યું હતું, જોકે આ આંકડો 11 ફેબુ્રઆરીએ જ પાર પહોંચી ગયો હતો. હાલ આંકડો 65કરોડે પહોંચ્યો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાશીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે જ્યારે પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે, તેથી હવે ૧૨ વર્ષ બાદ આ મહાકુંભ યોજાશે તેને ધ્યાનમાં રાખીને હાલ અંતિમ દિવસે પણ સ્નાન કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ ત્રિવેણી સંગમ પર નોન-સ્ટોપ સ્નાન કરાઇ રહ્યું છે. હાલ સંગમમાં ઘાટ પર પગ મુકવાની પણ જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા પહોંચી ગયા છે. વૃદ્ધોથી લઇને યુવા વયના, મહિલાઓથી લઇને પુરુષો, શહેરી નાગરિકોથી લઇને ગ્રામીણ વિસ્તારના લોકો એક થઇને સ્નાન કરી રહ્યા છે.
મહાકુંભમાં સાફ સફાઇ માટે ૧૫ હજાર સેનિટેશન વર્કર્સ તૈનાત કરાયા હતા, એક જ સ્થળે એક સાથે 15 હજાર લોકો દ્વારા સાફસફાઇ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે જેની ગિનિસ વર્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી શકે છે અને પરીણામ ૨૭મી ફેબુ્રઆરીએ જાહેર કરાશે. ગિનિસ સાથે જોડાયેલા રિશિ નાથે કહ્યું હતું કે અમે ભાગ લેનારા તમામ વર્કર્સને કાંડે એક પટ્ટી બાંધી હતી, જેમાં યુનિક ક્યૂઆર કોડ પણ છે. તેમની કામગીરીની અમે નોંધ લીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મક્કા મદિના હજ માટે દર વર્ષે 1.4 કરોડ લોકો જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો જાય છે. જ્યારે બીજી તરફ માત્ર અયોધ્યામાં જ ૫૨ દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરાયું. મહાકુંભમાં પહોંચનારાઓનો આંકડો તો કરોડોમાં છે જ સાથે અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ પહોંચીને અનોખો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.