Get The App

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
Maha Kumbh Begins


Maha Kumbh Begins: આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો છે. મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં ભાગ લેવા માટે ભારત સહીત વિદેશી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેમાં રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇટલી, જર્મની, આર્જેન્ટીના સહીત અનેક દેશોના ભક્તોએ 'હર હર ગંગે'ના નાદ સાથે  ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી. 

પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેવો એ એક અદ્ભુત અનુભૂતિ છે: શ્રદ્ધાળુ

ઠંડીના વાતાવરણમાં પાણી થીજી જવા છતાં વિદેશી ભક્તોએ ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. ત્રિવેણી સંગમમાં  મુક્તિની શોધમાં પહેલીવાર ભારત આવેલા બ્રાઝિલના ભક્ત ફ્રાન્સિસ્કોએ કહ્યું કે, 'પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેવો એ એક અદ્ભુત અનુભૂતિ છે. હું પહેલીવાર ભારત આવ્યો છું, હું યોગાભ્યાસ કરું છું અને મુક્તિની શોધમાં છું. અહીં હોવું અદ્ભુત લાગે છે. ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે. ગંગાનું પાણી ખૂબ ઠંડું હતું પરંતુ ડૂબકી માર્યા પછી મારું હૃદય હૂંફથી ભરાઈ ગયું.'

ડુબકી લગાવ્યા પછી ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું

સ્પેનથી આવેલા અન્ય એક ભક્તે કહ્યું કે, 'હું ગંગામાં ડુબકી લગાવ્યા પછી ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. અમારે અહીં સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલના ઘણા મિત્રો છે... અમે આધ્યાત્મિક યાત્રા પર છીએ.'

દરેક વ્યક્તિએ પોતાની ભૂમિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ

અન્ય ભક્ત, મૂળ મૈસૂરના અને જર્મન નાગરિક જીતેશ પ્રભાકર પણ વહેલી સવારે તેમની જર્મન પત્ની સાસ્કિયા નોફ અને નવજાત બાળક આદિત્ય સાથે નહાવા માટે મેળામાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, 'હું ભારતમાં રહું કે વિદેશમાં રહું તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરી વાત એ છે કે પોતાના દેશ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ. હું દરરોજ યોગાસન કરું છું. દરેક વ્યક્તિએ પોતાની જમીન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ અને હંમેશા પોતાની અંદર યાત્રા કરવાનો પ્રયાસ કરવો જોઈએ.' 

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી પ્રયાગરાજ આવેલા એક ભક્તે કહ્યું, 'તે ખૂબ જ સુંદર છે. અહીંના રસ્તા સ્વચ્છ છે, લોકો ખૂબ મૈત્રીપૂર્ણ અને ખુશ છે... અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ...'. 

નાસભાગ ટાળવા માટેની કરવામાં આવી છે વ્યવસ્થા

મહાકુંભ દરમિયાન, રેપિડ એક્શન ફોર્સ (RAF), પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની ટીમો પણ મેળાના વિસ્તારમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાજર છે. મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે વાહનોની સરળ અવરજવર અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસે વ્યાપક વ્યવસ્થા કરી છે. 

નાસભાગ ટાળવા માટે ત્રિવેણીમાં પ્રવેશ અને બહાર નીકળવાના અલગ-અલગ રૂટ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક પ્લાન મુજબ સંગમ મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ જવાહરલાલ નહેરુ માર્ગ (બ્લેક રોડ)થી હશે, જ્યારે બહાર નીકળવાનો માર્ગ ત્રિવેણી માર્ગથી રહેશે.

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો 2 - image



Google NewsGoogle News