મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ બાદ તંત્ર એક્શનમાં, ખુદ DIGએ મોરચો સંભાળ્યો
Maha Kumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં આજે રવિવાર (9 ફેબ્રુઆરી) પણ સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ એક કરોડથી વધુની ભીડ આવવાથી મેળા વિસ્તારથી લઈને શહેર સુધી વ્યવસ્થાઓ પ્રભાવિત થઈ હતી. જો કે, પોલીસ અને તંત્રના મોટા અધિકારી હવે ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને વ્યવસ્થાને સંભાળવામાં લાગ્યા છે.
મહાકુંભના DIG પોલીસ વૈભવ કૃષ્ણ ખુદ સંગમથી લઈને એન્ટ્રી પોઈન્ટ સુધી પગપાળા જ ભ્રમણ કરીને વ્યવસ્થા જાળવી રાખવામાં લાગ્યા છે. તેમનું કહેવું છે કે, ભીડ અણધારી રીતે વધુ આવી રહી છે. જેના કારણે લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ શ્રદ્ધાળુ વ્યવસ્થિત રીતે સ્નાન અને પૂજા અર્ચના કરી સખે, જેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
શ્રદ્ધાળુઓની સેવા માટે જ પોલીસ કર્મચારી સામાન્ય રીતે 16 થી 18 કલાક અને કેટલીક વખત સતત 50 કલાક સુધી સતત ડ્યૂટી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને ફીલ્ડમાં કામ કરનારા પોલીસ કર્મચારીઓને દિશા-નિર્દેશ આપી રહ્યા છે અને વ્યવસ્થાઓને મોનિટરિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તમામ ટ્રેનો રદ, પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ
મેળા ક્ષેત્રમાં ક્યાંય પણ ટ્રાફિક જામની સ્થિતિ નથી: DIG વૈભવ કૃષ્ણ
DIG વૈભવ કૃષ્ણએ રવિવારે જણાવ્યું કે, 'ટ્રાફિક જામની સમસ્યાને લઈને કમિશ્નરેટની પોલીસ સાથે સતત કોઓર્ડિનેશન કરવામાં આવી રહ્યું છે. મેળા ક્ષેત્રમાં ક્યાંય પણ ટ્રાફિક જામની સ્થિતિ નથી. લોકો અલગ-અલગ રસ્તાઓથી પગપાળા ચાલતા સંગમ પહોંચી રહ્યા છે. વાહનોની અવરજવર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે. જે પાસ જારી કરવામાં આવ્યા હતા, તે પણ આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે.'
સ્નાન પર્વો પર VIPને કોઈ પ્રોટોકોલ નહીં: DIG વૈભવ કૃષ્ણ
તેમના અનુસાર, VIP મૂવમેન્ટના કારણે કોઈ શ્રદ્ધાળુને કોઈ તકલીફ નથી થઈ રહી. સ્નાન પર્વ પર VIPને કોઈ પ્રોટોકોલ નથી આપવામાં આવી રહ્યો. સામાન્ય દિવસોમાં પણ જે VIP આવી રહ્યા છે તેમના માટે વિશેષ રસ્તાઓ નક્કી કરાયા છે અને સાથે જ વાહનોની સંખ્યા પણ ખુબ મર્યાદિત કરી દેવાઈ છે.
કલ્પવાસીઓના વાહનોના આવવા-જવાનો સમય નિશ્ચિત: DIG વૈભવ કૃષ્ણ
DIG વૈભવ કૃષ્ણએ જણાવ્યું છે કે, 'મેળા પોલીસે 12 ફેબ્રુઆરીએ આવનાર માઘી પૂર્ણિમાના સ્નાન પર્વ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કલ્પવાસીઓના વાહનો માટે મેળા વિસ્તારમાં આવવા-જવાનો સમય અને માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. તેમણે મેળામાં આવતા તમામ ભક્તોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. જો બધા લોકો પોતાના વાહનો પાર્કિંગમાં પાર્ક કરે અને નજીકના ઘાટ પર ગંગા સ્નાન કરે, તો વ્યવસ્થા પર જરાય અસર નહીં પડે અને ભક્તોને પણ આરામ મળશે.'
ખોટા પ્રચાર ફેલાવીને મહાકુંભમાં ગભરાટ ન ફેલાવો: DIG વૈભવ કૃષ્ણ
DIG વૈભવ કૃષ્ણ કહે છે કે, 'કેટલાક લોકો હજુ પણ સોશિયલ મીડિયા પર મહાકુંભ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. મહાકુંભમાં થયેલી નાસભાગ તરીકે કોઈ અન્ય જગ્યાએથી વીડિયો અપલોડ કરવા અને તેને ફેલાવવા બદલ બીજી FIR દાખલ કરવામાં આવી છે. લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે ખોટો પ્રચાર ફેલાવીને મહાકુંભમાં ગભરાટ ન ફેલાવો. જો કોઈ આવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'