Get The App

દિલ્હી યુપીએસસી સ્ટુડન્ટ્સના મોત મામલે મોટો ખુલાસો, MCD અને ફાયર ડિપાર્ટમેન્ટ દોષિત ઠર્યા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
દિલ્હી યુપીએસસી સ્ટુડન્ટ્સના મોત મામલે મોટો ખુલાસો, MCD અને ફાયર ડિપાર્ટમેન્ટ દોષિત ઠર્યા 1 - image


Image Source: Twitter

Rau's IAS Coaching Centre Case: રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી UPSCના ત્રણ ઉમેદવારોના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસમાં MCD અને ફાયર ડિપાર્ટમેન્ટે ઘણા કાયદાઓનું દુર્ભાવનાપૂર્ણ ઉલ્લંઘન કર્યું હોવાના સંકેત મળ્યા છે. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે MCD અને ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અગાઉ નિયમોના ઉલ્લંઘનની નોંધ લીધી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. મેજિસ્ટ્રેટ તપાસમાં IAS સ્ટડી સર્કલને પણ દોષી ઠેરવવામાં આવ્યું છે. મહેસૂલ મંત્રીને સોંપવામાં આવેલા રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાવ કોચિંગ સેન્ટરના માલિક અને મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓના જીવની પરવા કર્યા વિના બેઝમેન્ટના ખતરનાક દુરુપયોગમાં સામેલ થઈને ગુનાહિત બેદરકારી માટે જવાબદાર હતા. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિલ્ડિંગમાં નિયમોના ઉલ્લંઘનની MCD અને ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અગાઉ પણ નોંધ લીધી હતી પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી. 

તપાસમાં વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત 15 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. MCDએ અહીં નાળામાંથી અતિક્રમણ નહોતું હટાવ્યું. બીજી તરફ ફાયર વિભાગે આ વર્ષે 1 જુલાઈના રોજ નિરીક્ષણ દરમિયાન MCDને લાઇબ્રેરીના રૂપમાં બિલ્ડિંગના બેઝમેન્ટના દુરુપયોગનો ઉલ્લેખ કરવામાં પણ નિષ્ફળ રહ્યું હતું. 

કોર્ટે ચાર સહ-માલિકોની જામીન અરજી પર CBI પાસે માંગ્યો જવાબ

કોર્ટે બુધવારે રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં થયેલી દુર્ઘટના મામલે જેલમાં બંધ બેઝમેન્ટના ચાર સહ-માલિકોની જામીન અરજી પર CBIને નોટિસ જારી કરી છે. મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અંજુ બજાજ ચંદનાએ કેન્દ્રીય તપાસ એજન્સીને 9 ઑગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ જ કોર્ટ ચાર આરોપી પરવિંદર સિંહ, તજિંદર સિંહ, હરવિંદર સિંહ અને સરબજીત સિંહની જામીન અરજી પર સુનાવણી કરશે.

કોર્ટે નોટિસ જારી કરતા કહ્યું કે, FIRની કોપી કોર્ટ સમક્ષ લાવવામાં નથી આવી તેથી તે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીઓ પર નિર્ણય ન કરી શકે. હાઇકોર્ટે તાજેતરમાં જ ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરની બિલ્ડિંગના બેઝમેન્ટમાં થયેલા મોતની તપાસ પોલીસ પાસેથી લઈને CBIને સોંપી દીધી હતી.


Google NewsGoogle News