બોયફ્રેન્ડ સાથે બેસવું કે રાત્રે બહાર જવું યુવતીનો અધિકાર, સમાજ મેણા મારે તે અયોગ્ય : હાઈકોર્ટ
Madras high Court News | તામિલનાડુના ચેન્નાઇની અન્ના યુનિવર્સિટીના કેમ્પસમાં એક 19 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના મામલાની તપાસ એસઆઇટીને સોંપવામાં આવી છે. સુઓમોટો દ્વારા મામલાની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસનો ઉધડો લીધો હતો. સાથે જ એફઆઇઆર લીક કેમ થઇ તેને લઇને સવાલો ઉઠાવ્યા હતા, એફઆઇઆરને વાંધાજનક રીતે લખવા બદલ પણ પોલીસને ઝાટકી હતી, હાઇકોર્ટે કહ્યું હતું કે પુરુષ મિત્ર સાથે હોવા માત્રથી યુવતીને બદનામ ના કરી શકો, પુરુષ મિત્ર બનાવવા કે નહીં તે યુવતીનો અંગત અધિકાર છે. સમાજે કે કોઇએ પણ તેમને નૈતિકતાના પાઠ ભણાવવાની જરૂર નથી.
મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ એસ. એમ. સુબ્રમણીયમ અને ન્યાયાધીશ વી. લક્ષ્મીનારાયણની બેંચે સુનાવણી દરમિયાન તામિલનાડુ સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે પીડિતાની એફઆઇઆર સહિતની અંગત વિગતો લીક કેવી રીતે થઇ? કેમ્પસમાં છેડતીની ઘટના બની તે સમયે પીડિતા તેના પુરુષ મિત્રની સાથે હતી તેને આ સમગ્ર છેડતીના મામલા સાથે શું લેવાદેવા? બોયફ્રેન્ડ સાથે બેસવા બદલ યુવતીને બદનામ ના કરી શકો, યુનિવર્સિટી કે કોઇ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે યુવતીઓ રાત્રીના સમયે બહાર ના જઇ શકે કે યુવકો સાથે વાતચીત ના કરી શકે કે આવા તેવા કપડા ના પહેરી શકે વગેરે, આ યુવતીઓનો અધિકાર છે. લોકો યુવતીને નૈતિકતાના પાઠ ના ભણાવી શકે.
યુનિવર્સિટીના કેમ્પસમાં બહાર ફૂડ સ્ટોલ ચલાવનારા એક ગુનાઇત અપરાધનો રેકોર્ડ ધરાવનારા અપરાધીએ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે છેડતી કરી હતી, તે સમયે યુવતીનો બોયફ્રેન્ડ પણ સાથે હતો. આ અંગેનો ઉલ્લેખ એફઆઇઆરમાં કરવા અને ફરિયાદ લખવાની રીત મુદ્દે હાઇકોર્ટે પોલીસનો ઉધડો લીધો હતો, અને ટકોર કરતા કહ્યું હતું કે જો પીડિતા ફરિયાદ લખાવવામાં અસક્ષમ હોય તો પોલીસ અધિકારીની ફરજ છે કે તે પીડિતાને મદદ કરે. ફરિયાદ લીક થવા બદલ પણ હાઇકોર્ટે સરકાર અને પોલીસનો ઉધડો લીધો હતો.
યુનિવર્સિટીના કેમ્પસમાં 70 સીસીટીવી કેમેરા લગાવાયેલા છે જેમાંથી ૫૬ કેમેરા બંધ હાલતમાં હોવાથી યુનિવર્સિટી પ્રશાસનને પણ ઝાટકયું હતું. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે કેમ્પસમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા નથી આવામાં બાળકોની સુરક્ષા કેવી રીતે કરશો? પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરંસ કરીને કહ્યું હતું કે આ મામલામાં માત્ર એક જ આરોપી છે, આ દાવા પર પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે એવામાં કમિશનર કેમ કહી શકે કે માત્ર એક જ આરોપી છે. એડવોકેટ જનરલને સવાલ કર્યો હતો કે પ્રેસ કોન્ફરંસ કરતા પહેલા કમિશનરે અનુમતી લીધી હતી? કાયદો આ પ્રકારના નિવેદનો આપવાની કમિશનરને છૂટ આપે છે?