Get The App

તમારી પુત્રીએ લગ્ન કર્યા, તો બીજી યુવતીઓને કેમ બનાવી રહ્યા છો સંન્યાસી?: જગ્ગી વાસુદેવને હાઇકોર્ટનો સવાલ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
Sadhguru Jaggi Vasudev


Sadhguru Jaggi Vasudev: આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પર મદ્રાસ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે તમે તમારી પુત્રીના લગ્ન કરી દીધા છે અને તે સાંસારિક રીતે સુખી જીવન જીવી રહી છે, તો પછી તમે શા માટે અન્ય મહિલાઓનું મુંડન કરાવી તેને સંન્યાસી જીવન જીવવા પ્રેરિત કરો છો?'

શું છે મામલો?

કોઈમ્બતુરની કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ) અરજીની સુનાવણી દરમિયાન એક અરજી કરી હતી. આ અરજીમાં તેમણે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, 'અમે જાણવા માંગીએ છીએ કે તમે (સદ્ગુરુએ) તમારી પુત્રીના લગ્ન કરી દીધા છે અને તે સાંસારિક રીતે સુખી જીવન જીવી રહી છે, તો પછી તમે શા માટે અન્ય મહિલાઓનું મુંડન કરાવીને તેને સંન્યાસી જીવન જીવવા માટે પ્રોત્સાહન આપો છો?

અરજદારે દાવો કર્યો હતો કે, મારી બે ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરીઓનું બ્રેઇનવોશ કરીને ઈશા ફાઉન્ડેશનના યોગ સેન્ટરમાં રાખવામાં આવી છે. અરજદારે કહ્યું હતું કે, 'મારી દીકરીઓની ઉંમર 42 અને 39 વર્ષ છે. મારી મોટી દીકરીએ બ્રિટનમાંથી M.Tech ડિગ્રી મેળવી છે અને મહિને 1 લાખ રૂપિયા કમાતી હતી. 2007માં, તેણે બ્રિટનના જ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2008માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી જ તેણે ઈશા ફાઉન્ડેશનના યોગ સેન્ટરમાં ભાગ લેવાનું શરુ કર્યુ. તેને જોઈને જ મારી નાની દીકરી પણ યોગ કેન્દ્રમાં રહેવા લાગી હતી.'

અરજદારે વધુમાં કહ્યું હતું કે, 'જ્યારથી અમારી દીકરીઓ અમને છોડીને ગઈ છે ત્યારથી મારી અને મારી પત્નીનું જીવન નર્ક જેવું બની ગયું છે.' અરજદારે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, 'યોગ કેન્દ્રમાં અમારી દીકરીઓને અમુક પ્રકારનો ખોરાક અથવા દવા આપવામાં આવી રહી હતી, જેના કારણે મારી દીકરીઓ તેમની વિચાર શક્તિ ગુમાવી બેઠી છે.'

ઈશા ફાઉન્ડેશન પર બ્રેઇનવોશનો આરોપ 

આ મામલે મદ્રાસ હાઇકોર્ટે આ બે દીકરીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન આ બન્ને દીકરીઓએ કહ્યું હતું કે, 'અમે અમારી મરજીથી આ યોગ સેન્ટરમાં જોડાયા છીએ.'

વાતચીત દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે આ દીકરીઓને પૂછ્યું કે, 'તમે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાની વાત કરી રહ્યા છો. તો શું તમારા માતા-પિતાને અવગણવું એ પાપ નથી? ભક્તિનો સાર જ એ છે કે દરેકને પ્રેમ કરો અને કોઈને નફરત ન કરો, પરંતુ અમને તમારામાં તમારા પરિવાર પ્રત્યે ખૂબ નફરત દેખાઈ રહી છે. તમે તમારા માતાપિતા સાથે સન્માનપૂર્વક વાત પણ નથી કરી રહ્યા.'

જો કે આ મામલે જસ્ટિસ એસ.એમ. સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી. સિવગનનમની બેન્ચે કહ્યું હતું કે, 'બંધારણના અનુચ્છેદ 226 હેઠળ રિટ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરતી વખતે કોર્ટ પાસેથી સંપૂર્ણ ન્યાયની અપેક્ષા રાખવામાં આવે છે. આથી આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ.' 

આ ઉપરાંત જસ્ટિસ સિવગનનમે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, 'અમે જાણવા માંગીએ છીએ કે એક વ્યક્તિ જેણે પોતાની પુત્રીના લગ્ન કરીને તેને જીવનમાં સારી રીતે સેટલ કરી દીધી છે, તો તે જ વ્યક્તિ કેવી રીતે અન્ય લોકોની દીકરીઓનું મુંડન કરાવીને તેમને સંન્યાસી જીવન જીવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે?' 

આ પ્રશ્નનો જવાબ આપતાં ઈશા ફાઉન્ડેશનના વકીલે કહ્યું કે, 'દરેક પુખ્ત વ્યક્તિને પોતાનું જીવન પસંદ કરવાનો અધિકાર છે. આથી હું આ અરજદારની શંકાને સમજી શકતો નથી.' તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, 'તમે આ કેસ સદ્ગુરુ જગ્ગી વાસુદેવના પક્ષમાં લડી રહ્યા છો આથી તમે આ નહિ સમજી શકો. પરંતુ આ કોર્ટ ન તો કોઈના પક્ષમાં છે અને ન તો કોઈની વિરુદ્ધ.'

તમારી પુત્રીએ લગ્ન કર્યા, તો બીજી યુવતીઓને કેમ બનાવી રહ્યા છો સંન્યાસી?: જગ્ગી વાસુદેવને હાઇકોર્ટનો સવાલ 2 - image


Google NewsGoogle News