બે પત્નીમાં એક હિન્દુ એક મુસ્લિમ... તો પછી મદ્રાસ હાઈકોર્ટે પતિના અંતિમ સંસ્કારનો આદેશ કેમ આપ્યો?
નવી મુંબઇ,તા. 24 ફેબ્રુઆરી 2024, શનિવાર
મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક હિન્દુ પત્નીને તેના મુસ્લિમ પતિના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપી છે. અત્રે નોંધનીય છે કે આ પુરૂષની બે પત્ની હતી અને એક હિન્દુ અને એક મુસ્લિમ તેમ છતા હાઈકોર્ટે પતિના અંતિમ સંસ્કારનો આદેશ આપ્યો છે. મામલો કઈંક એવો છે કે મહિલાના પતિએ મુસ્લિમ મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જસ્ટિસ જીઆર સ્વામીનાથનની બેંચે આ મામલાની સુનાવણી કરતા હિન્દુ મહિલાને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપી હતી.
આ મામલો કોર્ટમાં ત્યારે ચઢ્યો જ્યારે મૃતકની હિન્દુ પત્ની અને મુસ્લિમ પુત્રએ મૃતદેહનો કબજો લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી. હિન્દુ પત્નીએ કાયદેસર જીવનસાથી તરીકે તેના અધિકારો પર ભાર મૂકતા અંતિમ સંસ્કાર કરવાના અધિકાર માટે દલીલ કરી હતી. મુસ્લિમ પુત્રએ દલીલ કરી હતી કે તેના પિતાએ મૃત્યુ પહેલા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો તેથી તેનો અને તેની માતાનો ઈસ્લામ અનુસાર અંતિમવિધિ કરવાનો કાયદેસરનો દાવો છે.
કોર્ટે કહ્યું કે મૃતકે મૃત્યુ પહેલા ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો તે અંગે કોઈ વિવાદ નથી પરંતુ મુસ્લિમ મહિલા સાથે તેના લગ્નને કાયદાકીય માન્યતા આપી શકાય નહીં. હાઈકોર્ટે જણાવ્યું કે મૃતક બાલાસુબ્રમણ્યમે 1988માં પોતાની હિન્દુ પત્ની બી શાંતિ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી એક છોકરીનો જન્મ થયો. જોકે બાદમાં તેને સૈયદ અલી ફાતિમા સાથે અવૈદ્ય સંબંધ ઉભો કર્યો અને ઈસ્લામ અંગીકાર કર્યો. ત્યારપછી તેઓ અનવર હુસૈન બન્યા અને 1999માં ઈસ્લામિક રીત-રિવાજ મુજબ ફાતિમા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી એક પુત્રનો જન્મ થયો.
બાલાસુબ્રમણ્યમે 2017માં તમિલનાડુ સરકારના ગેઝેટ દ્વારા માહિતી આપી હતી કે તેણે 10 મે, 2016ના રોજ અનવર હુસૈન નામથી ઈસ્લામ કબૂલ કર્યો હતો. ત્યારબાદ તેણે ફેમિલી કોર્ટમાં શાંતિ સાથેના લગ્નને તોડી નાખવાની એટલેકે છુટ્ટાછેડાની અરજી કરી હતી. 2021માં કોર્ટે તેની અરજી સ્વીકારી હતી. તેમની પ્રથમ પત્નીએ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. નિર્ણયની સમીક્ષા કર્યા પછી અધિક જિલ્લા ન્યાયાધીશે આદેશને રદ કર્યો હતો.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એવું માનવામાં આવ્યું કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય રીતે રદબાતલ કર્યો હતો. આવી સ્થિતિમાં બાલાસુબ્રમણ્યમ ઉર્ફે અનવર હુસૈનની કાયદેસર રીતે પરિણીત પત્ની તરીકે માત્ર શાંતિ જ ગણી શકાય. એક સવાલ એ પણ થશે કે પતિનો મૃતદેહ ચુકાદો આવે ત્યાં સુધી ક્યાં ગયો ? જવાબ છે કે પતિનો મૃતદેહ સરકારી હોસ્પિટલના શબઘરમાં પડ્યો છે.