દેશમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી, ભારતમાં પાકિસ્તાન કરતા બમણી : MPમાં ગરજ્યા રાહુલ
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી પર અનેક સવાલો ઉઠવ્યા
આ પહેલા રાહુલ ગાંધીએ ગ્વાલિયર જિલ્લાના મોહનામાં રોડ શો કર્યો
Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' ગ્વાલિયરમાં છે ત્યારે આજે આ યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ અગ્નિવીર-પૂર્વ સૈનિકો સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી પનિહાર, ઘાટીગાંવ થઈને મોહના તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા
લોકોસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે જે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં છે ત્યારે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ગ્વાલિયરમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી પર અનેક સવાલો ઉઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, 'આજે દેશમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. ભારતમાં બેરોજગારી પાકિસ્તાન કરતા બમણી છે. ભારતમાં બાંગ્લાદેશ અને ભૂતાન કરતાં વધુ બેરોજગાર યુવાનો છે તેનું કારણ કારણ કે નરેન્દ્ર મોદીએ નોટબંધી અને GST લાગુ કરીને નાના ઉદ્યોગોને બરબાદ કરી દીધા છે.
મોહનામાં રાહુલ ગાંધીએ રોડ શો કર્યો
આ પહેલા રાહુલ ગાંધીએ ગ્વાલિયર જિલ્લાના મોહનામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, દેશમાં લગભગ 50 ટકા OBC, 15 ટકા દલિત અને 8 ટકા આદિવાસી લોકો છે, એટલે કે કુલ 73 ટકા, પરંતુ મોટી કંપનીઓના સંચાલનમાં તમને એક પણ OBC, દલિત કે આદિવાસી વ્યક્તિ જોવા નહીં મળે. અમે જ્યારે જાતિ આધારિત ગણતરીની વાત કરીએ છીએ ત્યારે નરેન્દ્ર મોદી કહે છે - દેશમાં માત્ર બે જ જાતિઓ છે, અમીર અને ગરીબ. નરેન્દ્ર મોદી નથી ઈચ્છતા કે દેશનું સત્ય 73 ટકા લોકોને ખબર પડે કે કોની આટલી ભાગીદારી છે.