મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ તૈનાત
Madhya Pradesh Violence: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મોટી બબાલ થઈ છે. લવ જેહાદનો આરોપ લગાવીને એક સમુદાયના લોકોએ બીજા સમુદાય સાથે ઝઘડી પડ્યા હતા. જોતજોતામાં વિવાદ હિંસક થઈ ગયો. ઘટનાથી આક્રોશિત લોકોએ ભારે તોડફોડ અને આગચંપી કરી હતી. ભીડના કારણે કેટલાક ઘરો અને દુકાનોને પણ આગના હવાલે કરી દેવાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ હતી. હાલ, સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરી દેવાઈ છે.
મળતી માહિતી અનુસાર, સાગર જિલ્લાના સાનૌધાની એક યુવતી શુક્રવાર રાત્રે ઘરેથી ભાગી ગઈ. તેમના સમુદાય વિશેષના એક યુવક સાથે પ્રેમ પ્રસંગની વાત સામે આવી છે. સવારે યુવતીના ઘરવાળાઓએ વિશેષ સમુદાયના યુવકની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે તેમને જાણ થઈ કે યુવક પણ ઘરેથી ગાયબ છે તો લોકોમાં આક્રોષ વધી ગયો. ઘટનાથી ગુસ્સે ભરાયેલા સમુદાયના લોકોએ લવ જેહાદનો આરોપ લગાવતા હોબાળો કર્યો હતો.
જોતજોતામાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ભડકેલી ભીડે ઘરોમાં તોડફોડ શરૂ કરી દીધી અને અનેક ઘરો-વાહનોને આગ ચાંપી દીધી. માહિતી મળતા જ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સુધીમાં હોબાળો ખુબ વધી ગયો હતો. પોલીસે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી. આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી. ઘરોમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી.
એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યુવતીના આજે જ લગ્ન થવાના હતા. તે પહેલા તે સમુદાય વિશેષના યુવક સાથે ઘરેથી ગાયબ થઈ ગઈ. ઘટના સ્થળ પર એસપી, એડિશનલ એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર કેસની તપાસ કરાઈ રહી છે. આ મામલે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તેને અમલમાં લવાશે. વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે.