3 રાજ્યોમાં પ્રચંડ જીત બાદ ભાજપનો મોટો દાવો, કહ્યું ‘લોકસભા ચૂંટણી 2024માં 400 સીટો પર જીતીશું’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કોઈપણ નેતા સાથે ન કરી શકાય : કૈલાશ વિજયવર્ગીય
વિજયવર્ગીયએ કહ્યું, હું કોઈ જ્યોતિષ નથી, મારુ અનુમાન જમીની હકીકત પર આધારીત
ઈન્દોર, તા.04 નવેમ્બર-2023, સોમવાર
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે જીત મેળવી છે, તો તેલંગણામાં કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે મિઝોરમમાં ZPM વિજય તરફ આગળ વધી રહી છે. ભાજપે 3 રાજ્યોમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ પક્ષના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) લોકસભાની બેઠકો અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો મેળવશે.
‘PM મોદીની તુલના કોઈપણ નેતા સાથે ન કરી શકાય’
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની તુલના કોઈપણ નેતા સાથે ન કરી શકાય... PM મોદીની જેમ કોઈપણ નેતા વિશ્વનીય નથી... અમે લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતીશું... હું કોઈ જ્યોતિષી નથી અને મારુ અનુમાન જમીની હકીકત પર આધારીત છે.
મધ્યપ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત, છત્તીસગઢમાં પણ સત્તા કબજે કરી
ઉલ્લેખનિય છે કે, કૈલાશ વિજયવર્ગીયએ મધ્યપ્રદેશની ઈન્દોર-1 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજય શુક્લાને 57939 મતોથી હરાવ્યા છે. મધ્યપ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધની વિધાનસભા બેઠક પર જીત મેળવી છે. ભાજપે મધ્યપ્રદેશમાં પ્રચંડ જીત મેળવી છે, તો છત્તીસગઢમાં પણ સત્તાધારી કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. જ્યારે રાજસ્થાનની પ્રજાએ પરંપરા જાળવી રાખી આ વખતે ભાજપને રાજ્યની ધુરા સોંપી છે. આ 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસે 2 રાજ્યો ગુમાવવાનો વારો આવ્યો છે અને એક માત્ર તેલંગણામાં વિજય મેળવ્યો છે.