‘એક દેશ, એક ચૂંટણી’ પર રાજકીય હડકંપ, કમલનાથે કહ્યું, ‘આ લોકોની પણ મંજુરી લેવી જરૂરી’
કમલનાથને કહ્યું, ‘વન નેશન-વન ઈલેક્શન પ્રસ્તાવ બંધારણીય સુધારાનો મામલો છે... આ માત્ર રાજ્યસભા-લોકસભામાં પસાર કરવો પુરતો નથી.... આ માટે તમામ રાજ્યોની પરવાનગી લેવી જરૂરી છે. કારણ કે રાજ્યની મંજૂરી વગર ‘એક દેશ, એક ચૂંટણી’ થઈ શકે નહીં...
ભોપાલ, તા.01 સપ્ટેમ્બર-2023, શુક્રવાર
હાલ દેશભરમાં ‘એક દેશ, એક ચૂંટણી’ની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહ્યું છે... આ અંગેના પ્રસ્તાવની વાત સામે આવ્યા બાદ રાજકારણમાં હડકંપ મચી ગયો છે. કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ જાહેરાત થતાં જ દેશભરમાં ચર્ચા થઈ રહી છે કે, મોદી સરકાર સંસદના વિશેષ સત્રમાં ‘વન નેશન-વન ઈલેક્શન’નો પ્રસ્તાવ લાવી શકે છે. આ ચર્ચા દેશભરમાં વાયુવેગે ફેલાયા બાદ રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે... હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે ‘એક દેશ, એક ચૂંટણી’ અંગે મોટું નિવેદન આપ્યું છે.
‘માત્ર બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર કરવો પુરતો નથી, આ લોકોની પણ મંજુરી લેવી જરૂરી’
કમલનાથને ‘વન નેશન-વન ઈલેક્શન’ અંગે સવાલ કરાયો હતો, તો તેમણે કહ્યું કે, ‘આ બંધારણીય સુધારાનો મામલો છે... આ પ્રસ્તાવ માત્ર રાજ્યસભા અને લોકસભામાં પસાર કરવો પુરતો નથી.... આ માટે દેશના તમામ રાજ્યોની મંજૂરી હોવી પણ જરૂરી છે. કારણ કે રાજ્યની મંજૂરી વગર ‘એક દેશ, એક ચૂંટણી’ થઈ શકે નહીં... ઉલ્લેખનિય છે કે, આ પ્રસ્તાવ મામલે રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતા પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.
'એક દેશ, એક ચૂંટણી' માટે સમિતિ રચાઈ
આ અગાઉ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા એક દેશ, એક ચૂંટણી માટે સમિતિની રચના કરી દીધી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું છે. આ સમિતિ તમામ કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોકોનો અભિપ્રાય મેળવશે. આ સમિતિમાં કયા કયા સભ્યોને સામેલ કરાશે તે અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઈલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે.
‘સરકાર મોંઘવારી, બેરોજગારી છોડી ચૂંટણી પર ધ્યાન આપી રહી છે’
બીજી બાજુ આ જાહેરાત સાથે જ વિપક્ષમાંથી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે નિશાન તાકતાં વન નેશન વન ઈલેક્શન મુદ્દે મોદી સરકારની નિયત સામે જ સવાલો ઊઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે આ મામલે સરકારની નિયત સાફ નથી. અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે સરકારે પહેલા તો મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ અને સમસ્યાઓને હલ કરવા પર ધ્યાન આપવાની જરુર છે ત્યાં તે ચૂંટણીઓ પર જ ધ્યાન આપી રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ : સંજય રાઉત
શિવસેના (UTB)ના નેતા અને સાંસદ સંજય રાઉતે પણ ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ. કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે લાવી છે, મને લાગે છે કે ચૂંટણી મોડી કરવા માટેનું પણ એક ષડયંત્ર છે. આ લોકો ચૂંટણી કરાવવા માંગતા નથી, આ લોકો INDIAથી ડરી ગયા છે એટલા માટે નવા નવા ફંડા લાવી રહ્યા છે તેમ રાઉતે કહ્યું હતું.
શું દેશમાં તાનાશાહી ચાલી રહી છે : રાશિદ અલ્વી
સંસદના વિશેષ સત્રને લઈને કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે સત્રના એજન્ડાને લઈને હજું પણ સસ્પેન્સ છે કે ક્યું બિલ આવશે અને ક્યું બિલ આવશે નહીં. મીડિયામાં ચર્ચા છે કે એક દેશ, એક ચૂંટણીનો કાયદો આવી શકે છે, મહિલા આરક્ષણ અને યુસીસી માટે પણ કાયદો આવી શકે છે. રાશિદ અલ્વીએ વધુમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર વિશેષ સત્ર બોલાવા માંગે છે તો વિપક્ષને વિશ્વાસમાં લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, શું દેશમાં તાનાશાહી ચાલી રહી છે. આ ઉપરાંત સમાજવાદીના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે સંસદીય વ્યવસ્થાની સારી માન્યતાઓને આ સરકારે તોડી રહી છે. જો વિશેષ સત્ર બોલાવવુ હતું તો વિપક્ષી પાર્ટીને અનઔપચારીક રીતે વાત કરવી જોઈતી હતી. વધુમાં રામગોપાલ યાદવે કહ્યું કે એજન્ડા શું છે તે ખબર નથી ને વિશેષ સત્ર બોલાવી લીધુ છે. આ ઉપરાંત રામગોપાલ યાદવે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કમિટીના અધ્યક્ષ બનાવવા પર ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પરંપરા મુજબ પૂર્વ રાષ્ટ્રપતિને કોઈપણ પદ પર નિયુક્ત ન કરવા જોઈએ.