અઝાન સાંભળી ભાજપના મંત્રીએ ભાષણ અટકાવ્યું, કલમા-વસુધૈવ કુટુંબકમનો શ્લોક સમજાવ્યાં
Image Source: Twitter
Madhya Pradesh Minister Gautam Tetwal : મધ્યપ્રદેશના કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી અને સારંગપુરના ધારાસભ્ય ગૌતમ ટેટવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અઝાનના સમયનું સમ્માન કરતાં પોતાનું ભાષણ અટકાવી દે છે. એટલું જ નહીં ત્યારબાદ મંત્રી કલમાનો પાઠ પણ કરે છે. આ સાથે જ તેઓ 'વસુધૈવ કુટુંબકમ'નો શ્લોક પણ વાંચે છે અને લોકોને સાથે મળીને રહેવાની સલાહ આપે છે.
રોજગાર વિભાગના રાજ્ય મંત્રી ગૌતમ ટેટવાલ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાની ગ્રામ પંચાયત મઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા, ત્યાં પહેલા મંત્રીએ લગભગ 1 કરોડ રૂપિયાના નિર્માણ કાર્યોનો શુભારંભ કર્યો હતો. આ વચ્ચે કાર્યક્રમ દરમિયાન સાંજે લગભગ 7:15 અઝાન શરૂ થતાં ગૌતમ ટેટવાલે પોતાનું ભાષણ વચ્ચે અટકાવી દીધું.
અઝાન પૂરી થયા બાદ તેમણે કલમા અને શ્લોક વાંચ્યો અને તેનો અર્થ સમજાવ્યો. મંત્રીએ મંચ પરથી કહ્યું કે, 'તે કહે છે કે તેનાથી ડરો, તે એક છે. સારા કાર્ય કરો. "સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા. સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખભાગ્ભવેત્". સંપૂર્ણ ભૂમિ ગોપાળની છે. વસુધૈવ કુટુંબકમ આપણી સંસ્કૃતિ છે. વિશ્વમાં આવ્યા છો તો બધાનું સમ્માન કરો. બધા સુખી રહે, બધા સ્વસ્થ રહે, બધાનું કલ્યાણ થાય. આ વાત તે પણ કહે છે, અને અમે પણ કહી રહ્યા છીએ.'
લા ઈલાહા ઈલ્લલ્લાહ............
આ સાથે જ તેમણે આગળ કહ્યું કે, “લા ઇલાહા ઇલ્લાલ્લાહ મુહમ્મદુર્રસૂલુલ્લાહ” હું શું ખોટું બોલી રહ્યો છું? જો હું ખોટો હોઉં તો બોક્સ ખોલીને જુઓ. સનાતન સંસ્કૃતિ એવી છે જેમાં દરેકનો સમાવેશ છે. આ દરમિયાન કાર્યક્રમમાં લોકોની મોટી ભીડ વીડિયોમાં જોવા મળી રહી છે. મંત્રીનો આ વીડિયો રવિવારનો હોવાની માહિતી મળી રહી છે, જે મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામે આવ્યો છે.