18 વર્ષના છોકરાએ બેફામ ટ્રેક્ટર હંકારતા પલટી ખાઈ ગયું, 5 બાળકોનાં મોત, જબલપુરમાં માતમ છવાયો
Madhya Pradesh Accident: મધ્ય પ્રદેશના જબલપુરમાં ટ્રેક્ટર પલટી જતા 5 બાળકોના મોત થયા છે. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 18 વર્ષીય ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ પર પલટી ગયું હતું.
મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
અહેવાલો અનુસાર, 18 વર્ષીય ધર્મેન્દ્ર ઠાકુર ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકો તિનેટા દેવરી ગામના રહેવાસી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચલાવી રહેલા ધર્મેન્દ્રનું પણ મોત થયું હતું. જિલ્લા પ્રશાસને મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયા અને ઘાયલોને 10,000 રૂપિયાની આર્થિક મદદ કરી છે. અકસ્માતની જાણ થતાં જ ગામમાં માતમ છવાયો છે.
રાજ્ય સરકારના મંત્રી રાકેશ સિંહ પણ હોસ્પિટલ પહોંચ્યા
પોલીસે જણાવ્યું કે ટ્રેક્ટર ઓવર સ્પિડના કારણે પલટી ગયું હતું, જેમાં પાંચ દબાઈ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ રાજ્ય સરકારના મંત્રી રાકેશ સિંહ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડોક્ટરો પાસેથી અકસ્માતની માહિતી લીધી. રાકેશ સિંહે કહ્યું કે 'મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.'