મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ફાર્મ હાઉસની છત ધરાશાયી, 5 મજૂરોના દટાઈ જતાં મોત
Madhya Pradesh Farm House News | મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ઇન્દોરની નજીકમાં આવેલા ચોરલ ગામમાં એક ફાર્મહાઉસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન નિર્માણાધીન ફાર્મહાઉસની છત ધરાશાયી થતાં 5 મજૂરો દટાઈ ગયા હતા. જેમના મૃત્યુ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ.
મજૂરો સૂતા હતા અને છત પડી
ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ અભિયાન ચલાવાયું હતું. જેસીબીની મદદથી દટાયેલાં અન્ય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી અનુસાર જ્યારે આ છત ધરાશાયી થઈ ત્યારે મજૂરો નીચે સૂતા હતા. હજુ ઘણા મજૂરો નીચે દટાયેલા હોવાની શક્યતા છે જેથી મૃત્યુઆંક વધી શકે છે.
તંત્ર ફરી સવાલોના ઘેરામાં
પ્રાથમિક અહેવાલો અનુસાર કાટમાળની નીચે હજુ ઘણાં મજૂરો ફસાયેલા હોઈ શકે છે. આ ફાર્મ હાઉસનું કામ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હોવાની પણ માહિતી છે. તેને લઈને તંત્ર સામે પણ સવાલો ઊઠવા લાગ્યા છે. ગામના લોકોએ કહ્યું કે આ દુર્ઘટનામાં અડધા ડઝનથી વધુ મજૂરોએ જીવ ગુમાવ્યા હોઈ શકે છે. જો કે હજુ પોલીસે કોઈના મૃત્યુની પુષ્ટી કરી નથી. કોઈ કોન્ટ્રાક્ટરના માધ્યમથી આ મજૂરો બહારથી અહીં લવાયા હોવાની જાણકારી મળી રહી છે.