Get The App

VIDEO | મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 12નાંં મોત, 50થી વધુ દાઝ્યાની માહિતી

ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
VIDEO | મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 12નાંં મોત, 50થી વધુ દાઝ્યાની માહિતી 1 - image

image : Twitter

Madhya pradesh Blast news | મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં 12 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.  માહિતી અનુસાર ફેક્ટરીની બહાર શબ વિખેરાયેલા જોવા મળી રહ્યા છે. મૃતકાંક વધી શકે છે. ઘાયલોની સંખ્યા પણ 50ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી.   તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવો એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે.  તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે. 

100થી વધુ મકાનો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા  

ફટાકડાં ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આજુબાજુના 60થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા. 50થી વધુ લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે ખસેડાયા હોવાની માહિતી છે. 100થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ પણ એક્ટિવ થયા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી તેમણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. 

NDRF અને SDRFની ટીમ બોલાવાઈ 

માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઈમરજન્સી બેઠક યોજી હતી. જેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી. બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં બર્ન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. 

મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂ. વળતરની જાહેરાત 

મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં આયોજિત બેઠક બાદ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે બચાવ કામગીરી પર નજર રાખવા માટે એક સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે. 

વિસ્ફોટના ભયંકર અવાજથી નાસભાગ મચી 

માહિતી અનુસાર વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભયાનક વિસ્ફોટ થઈ રહ્યા છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો ડરના માર્યા આમ તેમ જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. 

ફાયરબ્રિગેડના વાહનોનો કાફલો ઘટનાસ્થળે 

ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ લોકોના રેસ્ક્યૂની કાર્યવાહી શરૂ થઇ શકશે. આગની જ્વાળાઓ પર કાબૂ મેળવવામાં એટલા માટે પણ વિલંબ થઈ રહ્યો છે કેમ કે ત્યાં ફટાકડાંનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે. જેના લીધે આગ વધુને વધુ ભડકી રહી છે. સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન તંત્રના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાની માહિતી મળી રહી છે. હજુ ફેક્ટરીમાં કેટલાં લોકો ફસાયા છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.VIDEO | મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 12નાંં મોત, 50થી વધુ દાઝ્યાની માહિતી 2 - image

 


Google NewsGoogle News