રાજ્યમાં હવેથી વોટ્સએપ, ઈ-મેલ અને SMS દ્વારા મોકલાશે સમન્સ અને વોરંટ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું
Image:Freepik
Warrants Online: ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવિધાજનક અને અસરકારક બનાવવા માટે ભારતભરમાં નિયમો અને કાયદામાં જડમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યોમાં પણ તૈયારી થઈ રહી છે તેવામાં હવે ન્યાયાયિક પ્રક્રિયા ઓનલાઈન લઈ જવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવે સમન્સ અને વોરંટ ઓનલાઈન માધ્યમો જેવા કે વોટ્સએપ, ઈ-મેલ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવશે અને તેને કાયદેસર માન્ય પણ ગણવામાં આવશે.
આ નવી પહેલ સાથે મધ્યપ્રદેશ ઓનલાઈન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ગૃહ વિભાગે આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ સરકારે નવા કાયદા માટે આ નિયમો દોઢ મહિનામાં તૈયાર કર્યા છે, જે મુજબ હવે કોર્ટમાંથી સીધા જ સમન્સ અને વોરંટ જારી કરી શકાશે. જો મેઈલ બાઉન્સ બેક ન થાય તો ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ સમન્સ અને વોરંટ માન્ય જ ગણાશે આનો અર્થ એ છે કે, જો ઈ-મેલ Sent હશે તો સમન્સ અથવા વોરંટ આપવામાં આવ્યું હોવાનું જ માનવામાં આવશે.
જોકે આ નવો નિયમ એવા લોકો પર લાગુ થશે નહીં જેઓ ઈ-મેલ, ફોન નંબર અથવા મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી. આવા કિસ્સાઓમાં પરંપરાગત પદ્ધતિ અપનાવવામાં આવશે અને સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જ સમન્સ અથવા વોરંટ મોકલવામાં આવશે.
આ નવા નિયમને લાગુ કરવા માટે ગૃહ વિભાગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પગલાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવાની અપેક્ષા છે અને ડિજિટલ યુગમાં ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નવા નિયમના અમલીકરણથી ન્યાયિક પ્રક્રિયાઓમાં સમય અને સંસાધનોની બચત થશે, તેમજ કોર્ટના આદેશોને વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે.