‘કેટલાક નેતા આપણા પર્વ-પરંપરાને અપશબ્દો બોલે છે’ બાગેશ્વર ધામમાં બોલ્યા PM મોદી
PM Modi Visit Bageshwar Dham : મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાગેશ્વર ધામ પાસે 100 બેડની કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો છે. પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર છતરપુર પહોંચેલા પીએમ મોદીએ આજે બાલાજીના દર્શન પણ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ જય જયાશંકર ધામના નાદથી સંબોધનની શરૂઆત કરી હતી.
નેતાઓનો એક વર્ગ ધર્મની મજાક ઉડાવે છે : મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ‘મને ખૂબ ઓછા દિવસોમાં બીજી વખત વીરોની ભૂમિ બુંદેલખડ પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને આ વખતે બાલાજીએ બોલાવ્યો છે. હનુમાનજીની કૃપાથી આસ્થાનું કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. નેતાઓનો એક વર્ગ ધર્મની મજાક ઉડાવે છે, લોકોને તોડવાનું કામ કરી રહ્યા છે. ઘણી વખત આવા લોકોનો વિદેશી તાકાતો સાથ આપી દેશ અને ધર્મને નબળો પાડવાનો પ્રયાસ કરતા હોય છે. આ લોકો સદીઓથી હિન્દુ ધર્મનો ઉપયોગ કરીને કોઈને કોઈ ભેષમાં રહેતા હોય છે.’
આ પણ વાંચો : કોંગ્રેસને મારી જરૂર ન હોય તો મારી પાસે બીજા ઘણા કામ છે: શશિ થરૂરનું વિસ્ફોટક નિવેદન
PM મોદીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના સંકલ્પની કરી પ્રશંસા
તેમણે કહ્યું કે, ‘ગુલામીની માનસિકતા ધરાવતા આ લોકો આપણા મંદિરો, આપણા સંતો, સંસ્કૃતિ અને સિદ્ધાંતો પર હુમલા કરતા રહ્યા છે. આ લોકો આપણા તહેવાર, પરંપરાઓને અપશબ્દો બોલે છે. જે ધર્મ અને સંસ્કૃતિ પ્રગતિશીલ હોય છે, તેના પર કિચ્ચડ ઉછાળે છે. તેમનો એજન્ડો આપણા સમાજના ભાગલા પાડવા અને તેને તોડવાનો છે. આવા માહોલ વચ્ચે મારા નાના ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ઘણા સમયથી એકતાનો મંત્ર લઈને લોકોમાં જાગૃતિ વધારવાનું કામ કરી રહ્યા છે. હવે તેમણે સમાજ અને માનવતાના હિતમાં વધુ એક સંકલ્પ લીધો છે. તેમણે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવાનું મન બનાવી લીધું છે. બાગેશ્વર ધામ પાસે 100 બેડની કેન્સર હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે પીએમ મોદી સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ, ખજુરાહોના સાંસદ વી.ડી.શર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દ્રૌપદી મુર્મુ 26 ફેબ્રુઆરીએ ધામ પહોંચશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામ પહોંચશે અને 251 નિરાધાર કન્યાઓના સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લઈ તેમને આશીર્વાદ આપશે.