પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના
Madhya Pradesh Accident: મધ્યપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનવાર ચોકીના મહાદેવ ઘાટ પુલ પાસે આજે બપોરે એક બોલેરો કાર બેકાબૂ થઈને પુલ કૂદાવી નદીમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત થઈ ગયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે જબલપુર રિફર કરવામાં આવ્યા છે. મૃતકો જબલપુર જિલ્લાના પૌડી અને નજીકના ગામોના રહેવાસી છે. આ લોકો બંદકપુરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
માહિતી મળતાં જ કલેક્ટર સુધીર કોચર અને એસપી શ્રુત કીર્તિ સોમવંશી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ તેઓ જિલ્લા હોસ્પિટલમાં આવીને ઘટનાની જાણકારી આપી. સરકાર દ્વારા મૃતકોને વળતરની રકમ પણ આપવામાં આવશે.
તમામ લોકો એક જ પરિવારના સભ્યો
મૃતકના સંબંધી ગોવિંદ સિંહે જણાવ્યું કે, આ તમામ લોકો એક જ પરિવારના સભ્યો છે. તેઓ મંગળવારે સવારે અલગ-અલગ કારમાં બંદકપુરના દર્શન માટે આવ્યા હતા. અહીંથી દર્શન કરીને ગામ પાછા જઈ રહ્યા હતા. ત્યારે બનવારના મહાદેવ ઘાટ પુલ પરથી એક બોલેરો નીચે ખાબકી ગઈ. વાહનમાં 13 લોકો સવાર હતા, જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને સાત ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે ઘાયલ વ્યક્તિઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે અને બાકીના 5 ઘાયલોની હાલત ગંભીર હોવાથી ગ્રીન કોરિડોર બનાવીને તેમને જબલપુર રિફર કરવામાં આવ્યા હતા. તમામ લોકો એક જ પરિવારના સભ્યો છે.
ઘટના સ્થળ પર પહોંચ્યા કલેક્ટર, એસપી
અકસ્માતની સૂચના મળતા જ કલેક્ટર સુધીર કોચર અને એસપી શ્રુત કીર્તિ સોમવંશી ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામજનો પાસેથી ઘટનાની માહિતી લીધા બાદ જિલ્લા હોસ્પિટલ માટે રવાના થયા. કલેક્ટર કોચરે જણાવ્યું કે, 'આ અકસ્માત મહાદેવ ઘાટ પુલના વળાંક પર સર્જાયો હતો. ગ્રામીણોએ જણાવ્યું કે બોલેરોની સ્પીડ ખૂબ વધારે હતી, તેથી ડ્રાઈવર તેને નિયંત્રિત ન કરી શક્યો. આ કારણે બોલેરો નદીમાં ખાબકી ગઈ. માહિતી લીધા બાદ સરકાર દ્વારા મૃતકોને યોગ્ય વળતર રકમ આપવામાં આવશે. આ ઉપરાંત પુલ પર જે પણ જરૂરી કામ હશે તે પણ શરૂ કરાવવામાં આવશે.'