'450 થી તો ઓછી નહીં આવે..', હિમાલયથી પરત આવેલા ભાજપના દિગ્ગજ નેતાની ભવિષ્યવાણી
Lok Sabha Elections 2024 | ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટો દાવો કર્યો છે. ઉમા ભારતીનું અનુમાન છે કે ભાજપ એક્ઝિટ પોલ્સનાં અનુમાન કરતાં વધુ બેઠકો જીતશે. હિમાલયમાં લાંબા સમય સુધી રોકાયા બાદ પરત આવેલા ઉમા ભારતીએ કહ્યું છે કે ભાજપ 450થી વધુ બેઠકો જીતશે.
ભાજપનો નારો 400 પાર...
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે '400 પાર કરવાનો' નારો આપ્યો છે. તેમણે પીએમ મોદીની પણ પ્રશંસા કરી અને તેમને મસીહા જેવા ચમત્કારી વડાપ્રધાન ગણાવ્યા. ઉમા ભારતીએ મતગણતરીના એક દિવસ પહેલા સોમવારે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શું કહે છે ઉમા ભારતી?
ઉમા ભારતી કહે છે કે તેમને આ વિચાર હિમાલયમાં દેશ-વિદેશથી આવતા લોકોને મળ્યા બાદ આવ્યો હતો. તેમણે લખ્યું કે , 'ગઈકાલે એક્ઝિટ પોલ આવ્યો, તેમનો અંદાજ ગમે તે હોય, મારો અંદાજ સાડા ચારસોથી ઓછો ન હોઈ શકે. હું લગભગ અઢી મહિનાથી હિમાલયની સફર પર છું. વિવિધ રાજ્યોના તીર્થયાત્રીઓ અને સંતો ત્યાં જોવા મળ્યા, જેમણે મોદીજી સિવાય કોઈનું નામ લીધું ન હતું.
પીએમ મોદીની સાધનાની કરી પ્રશંસા
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પણ પીએમ મોદીના વખાણ કર્યા અને કન્યાકુમારીમાં તેમની તપસ્યા વિશે કહ્યું કે માત્ર કોઈ અલૌકિક વ્યક્તિ જ આ કરી શકે છે. ઉમાએ કહ્યું કે જે રીતે પીએમ મોદીએ કન્યાકુમારીમાં તપસ્યા કરી હતી તે કોઈ અલૌકિક વ્યક્તિ જ કરી શકે છે. આઝાદી પછી, ભગવાનની કૃપાથી, ભારતને આખરે મસીહા જેવા ચમત્કારી વડાપ્રધાન મળ્યા છે.