માધવીના પતિ ધવલ બુચને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી રૂ. 4.78 કરોડ મળ્યા હતા
- કોંગ્રેસે સેબીના અધ્યક્ષ સામે નવા આરોપો મૂક્યા
- સેબીના સભ્ય-ચેરમેન તરીકેના કાર્યકાળમાં માધવીને અગોરા કન્સલટન્સી કંપની દ્વારા રૂ. ૨.૯૫ કરોડની કમાણી
- ગુ્રપે કોંગ્રેસના આરોપોને ખોટા અને ગેરમાર્ગે દોરનારા ગણાવી ફગાવી દીધા
નવી દિલ્હી: સિક્યુરિટીઝ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના પ્રમુખ માધવી પુરી બુચની અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં તે સમયે ૯૯ ટકા હિસ્સેદારી હતી જ્યારે આ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જૂથને કન્સલટન્સી સેવા પ્રદાન કરી રહી હતી તેમ કોંગ્રેસે આરોપ મૂક્યો છે.
મુખ્ય વિપક્ષી દળે એ પણ દાવો કર્યો છે કે સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકેના માધવીના કાર્યકાળ દરમિયાન તેમના પતિ ધવલ બુચને વર્ષ ૨૦૧૯-૨૧ની વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી ૪.૭૮ કરોડ રૂપિયા મળ્યા હતાં.
આ અગાઉ એઆઇસીસીના હેડકવાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના વડા પવન ખેરાએ જણાવ્યું હતું કે માધવીના સેબીના પૂર્ણ સભ્ય તથા ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કુલ ૨.૯૫ કરોડ રૂપિયા મેળવ્યા હતાં. જે પૈકી ૨.૫૯ કરોડ રૂપિયા ફક્ત એક જ ગુ્રપ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી મળ્યા હતાં. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ર કર્યો છે કે શું વડાપ્રધાન મોદીને માધવીની અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડમાં ૯૯ ટકા હિસ્સેદારી તથા મહિન્દ્રા અને મહિન્દ્રા સહિતની લિસ્ટેડ કંપનીઓ પાસથી મોટી રકમની ફી લેવા અંગેની માહિતી હતી?
બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગુ્રપે કોંગ્રેસના આ આરોપોનેો ફગાવી દઇને ખોટા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. ગુ્રપે સ્પષ્ટતા કરી છે કે તેણે કયારેય પણ સેબીને ખાસ પ્રકારની સેવાની વિનંતી કરી નથી.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નજીકના મિત્રોને બચાવવા માટે એક મજબૂત માર્કેટ રેગ્યુલેટરના રૂપમાં સેબીની સંસ્થાગત અખંડતાને કલંકિત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે મેગા મોદી-અદાણી કૌભાંડની તપાસ સેબી દ્વારા કરવામાં આવી રહી છે. સેબી અધ્યક્ષ પાસે હિતોના ટકરાવના અનેક મુદ્દા છે. કોંગ્રેસ પાર્ટીએ હવે આવા અનેક ઉદાહરણોનો ખુલાસો કર્યો છે.
મોદી શાહના નેતૃત્ત્વવાળી સમિતિએ સેબી અધ્યક્ષની નિમણૂક કરી હતી. તેમણે જાણી જોઇને પોતાના મિત્રોને ફાયદો કરાવવા માટે તેમની નિમણૂક કરી હતી? શું તે શંકાસ્પદ નાણાકીય લેવડદેવડથી અજાણ હતાં? શું હવે વિનિયમિત કંપનીઓ પર સેબીના આદેશ, તેના અધ્યક્ષ દ્વારા એક શંકાસ્પદ કંપનીના માધ્યમથી પ્રાપ્ત કન્સલટન્સી ફી પર નિર્ભર છે? શું આ ના ખાઉંગા, ના ખાને દૂના છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૦ કરોડ શેર બજાર રોકાણકારોની મહેનતની કમાણી મોદીજી દ્વારા રચિત આ મોટા કૌભાંડથી ખતરામાં પડી ગઇ છે.