શું છે માધવ ફોર્મ્યુલા? OBC મતોની મદદથી ભાજપે જીત્યો મહારાષ્ટ્રનો ગઢ
Maharashtra Election: મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનની પ્રબળ જીત જોવા મળી છે. સત્તાધારીઓએ 70 ટકા બેઠકો પર કબજો જમાવતાં ફરી એકવાર સરકાર બનાવવા તૈયાર છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની જીતમાં અન્ય પછત વર્ગ (ઓબીસી)એ મોટી ભૂમિકા નિભાવી છે. તેમના મત એકજૂટ થતાં કોંગ્રેસના મહા વિકાસ અઘાડીને કારમી હાર અપાવી છે.
ઓબીસી ઐતિહાસિક રૂપે મહારાષ્ટ્રમાં મહત્ત્વપૂર્ણ મતદાર વર્ગ રહ્યો છે. ભાજપે વર્ષો બાદ રાજ્યમાં ઓબીસીના મતો મેળવવામાં સફળતા મેળવી છે. ઓબીસી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી તેણે મરાઠા સમુદાયના પ્રભાવમાં ઘટાડો કરવાની રણનીતિ ઘડી હતી. મરાઠા સમુદાય વર્ષોથી કોંગ્રેસ પક્ષને સમર્થન આપે છે. તેના માટે ભાજપે રાજ્યમાં માધવ ફોર્મ્યુલા રચી અને તે અગાઉની ચૂંટણીઓની જેમ અસરકારક રહી.
શું છે માધવ ફોર્મ્યુલા?
ભાજપ 1990ના દાયકાથી ઓબીસી મતદારોને એકજૂટ કરવા માટે સક્રિય રૂપે કામ કરી રહ્યો છે. જેના માટે માધવ ફોર્મ્યુલા જેવી રણનીતિઓનો ઉપયોગ કર્યો છે. જે માળી, ધનગર, અને વંજારા જેવા વિવિધ ઓબીસી સમુદાયોને એકજૂટ કરે છે. માધવ અર્થાત માળી, ધનગર અને વંજારા. વસ્તીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતો મતદારોના આ સમુદાયને આકર્ષિત કરી ભાજપે નોંધનીય જીવ હાંસલ કરી છે.
ઓબીસીની અવગણના ભારે પડી
મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા સમુદાય પણ ભાજપ તરફ ડાયવર્ટ થયો છે. જે વર્ષોથી કોંગ્રેસના સમર્થનમાં હતો. પરંતુ ભાજપે તેના પર ફોકસ કરતાં ઓબીસીની જાણતા-અજાણતા અવગણના કરી હતી. જેની અસર તે છેલ્લા કેટલાક વર્ષોની ચૂંટણીમાં ભોગવી રહી હતી. પરંતુ આ વખતે તેણે ઓબીસીને આકર્ષિત કરવાની કોઈ કસર છોડી ન હતી.
હરિયાણામાં આ ફોર્મ્યુલા અસરકારક
ઓબીસી મત હાંસલ કરવાની આ રણનીતિ હરિયાણામાં પણ અસરકારક રહી હતી. જ્યાં ભાજપે ઓબીસી સમુદાયોને આકર્ષિત કરવા વિવિધ વચનો આપ્યા હતા. શિક્ષણ અને નોકરીઓમાં અનામત મારફત ઓબીસી મતદારોની ચિંતાઓ-સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે ઓબીસી સમુદાયોના મત ગુમાવ્યા હતા. આ મુદ્દાને ધ્યાનમાં રાખતાં આ વખતે સંપૂર્ણ સાવચેતી રાખી હતી.
40 વર્ષ પહેલાં ભાજપે આ રીતે વર્ચસ્વ સ્થાપિત કર્યું
1980ના દાયકામાં, ભાજપે મહારાષ્ટ્રમાં પગ જમાવવા માટે માધવ ફોર્મ્યુલાનો આશરો લીધો, જેમાં પરંપરાગત રીતે કોંગ્રેસ અને મરાઠા રાજકારણનું પ્રભુત્વ હતું. પક્ષનો ઉદ્દેશ્ય એવા સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓબીસી મતદારોને આકર્ષવાનો હતો કે જેઓ મુખ્ય પ્રવાહની રાજનીતિથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. વસંતરાવ ભાગવત અને ગોપીનાથ મુંડે જેવા નેતાઓ દ્વારા શરૂ કરાયેલી વ્યાપક સામાજિક ઈજનેરી વ્યૂહરચનાનો આ એક ભાગ હતો.
ઓબીસીની લાગણી દુભાઈ
આ ફોર્મ્યુલા 2014ની ચૂંટણીઓ દરમિયાન ફરી મહત્વની બની જ્યારે મુંડેના નેતૃત્વ હેઠળ ભાજપે આ સમુદાયોને સફળતાપૂર્વક એક કર્યા. પક્ષે ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનું વચન આપીને ઓબીસીની લાગણીનો લાભ લીધો હતો, જો કે આ વચન પૂર્ણ થયું ન થતાં ઓબીસી મતદારોમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી.
2019ના પરિણામો ઓબીસી ફરી યાદ આવ્યા
2014માં લોકસભા ચૂંટણીમાં સફળતા પછી ભાજપે વધુને વધુ મરાઠા નેતાઓને તરફેણમાં લેવા પ્રયાસ કર્યો, જેમાં અજાણતાં OBC નેતાઓને અવગણ્યા. જેનાથી આ સમુદાયોમાં ઉપેક્ષાની લાગણી ફેલાઈ, જો કે, 2019માં નિરાશાજનક પરિણામો બાદ ઓબીસી નેતાઓએ પણ પાર્ટીમાં તેમના ઘટતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.