સેબીનાં વડાં માધવી બૂચને ચારે બાજુ ઘી-કેળાં
- માધવી પૂરી બુચે સેબીમાં નોકરી સાથે બેંકમાંથી પગાર અન્ય લાભ મેળવ્યા : કોંગ્રેસનો આક્ષેપ
- બુચને ICICI Bank અને ICICI Prudential તરફથી માત્ર કર્મચારીને મળતા પગાર અને ESOPના રૂ.16.80 કરોડની આવક
- માત્ર અદાણી નહી, ICICI જૂથને પણ સેબી સભ્ય, વડા તરીકે બુચે લાભ કરાવી આપ્યા
- સેબી વડાંને સરકાર તરફથી કોણ બચાવી રહ્યું છે : કોંગ્રેસનો સણસણતો સવાલ
નવી દિલ્હી : અર્થતંત્રની કરોડરજ્જુ એવા દેશની શેર, મૂડી અને જામીનગીરી બજારના નિયમનકાર સેબીના અધ્યક્ષા માધવી પૂરી બુચ સાથે જોડાયેલું એક વધુ કૌભાંડ કોંગ્રેસે બહાર પાડયું છે. નિયમની વિરુદ્ધ અને કાયદામાં જોગવાઈ નહી હોવા છતાં માધવી પૂરી બુચે સરકારી પગારની આવક કરતા પાંચ ગણી એટલે કે કુલ રૂ.૧૬.૮૦ કરોડની જંગી રકમ (જેમાં પગાર, અન્ય આવક અને ઇસોપ)નો લાભ પોતાની પૂર્વ નોકરીમાંથી મેળવવો ચાલુ રાખ્યો છે એવી વિગતો સોમવારે જાહેર થઇ થઇ છે. હિન્ડેનબર્ગના અહેવાલ પછી સેબી અધ્યક્ષની નિયત, તેમની નિશ્પક્ષતા સામે આ બીજો સીધો આક્ષેપ કરતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે બુચને સરકારમાંથી કોણ આટલી હદે રક્ષણ આપી રહ્યું છે, તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
શેરબજાર અને મૂડીબજારના નિયમનકાર અધ્યક્ષ બન્યા પહેલા બુચ સેબીના પૂર્ણ કાલીન સભ્ય (હોલ ટાઈમ મેમ્બર) હતા. ૨૦૧૭થી ૨૦૨૧ના આ સમયગાળામાં તેમણે પોતે જ્યાં નોકરી કરતા હતા એ પૂર્વ સંસ્થા આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલમાંથી પગાર મેળવવાનો ચાલુ રાખ્યો હતો, એટલું જ નહી તેમણે પૂર્ણ કર્મચારીને મળે એ ઇસોપનો લાભ લીધો હતો જેના ઉપરનો ટેક્સ બેન્કે ભર્યો હતો એવો ઘટસ્ફોટ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસે એક પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સેબીના ચેરપરસન બુચે પૂર્ણ કક્ષાના સભ્ય હતા ત્યારે આઈસીઆઈઆઈ બેંક પાસેથી રૂ.૧૨.૬૩ કરોડ (૧૨,૬૩,૪૭,૨૩૯) નો પગાર મેળવ્યો હતો. બીજું, ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન માધવી પૂરી બુચે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલ પાસેથી પણ રૂ.૨૨.૪૧ લાખ (૨૨,૪૧,૧૬૯) ની આવક મેળવી છે અને ત્રીજું કે તેમણે આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી હોય તે રીતે ઈસોપ પેટે રૂ.૨.૮૪ કરોડ (૨,૮૪,૧૨,૯૧૮)નો લાભ મેળવ્યો હતો. એટલું જ નહી, આ ઇસોપ પેટે ભરવાપાત્ર ટીડીએસ (ટેસ્ક ડીડકટેડ એટ સોર્સ) રૂ. ૧.૧૦ કરોડ (૧,૧૦,૦,૮૧૭) પણ બેન્કે જ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. આમ કુલ, રૂ.૧૬.૮૦ કરોડના લાભ નિયમ વિરુદ્ધ, કાયદાની જોગવાઈથી વિપરીત તેમણે મેળવ્યા છે.
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો એ આ સમયગાળામાં સેબીએ આઈસીઆઈસીઆઈની તરફેણમાં કેટલાક નિર્ણયો લીધા હતા જે સેબીના વડા તરીકે તેમના કાર્યકાળમાં લેવામાં આવ્યા છે અને તેનો લાભ બેંકને કરાવી આપ્યો છે જે પણ કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધ છે.
માધવી પૂરી બુચને સેબીમાં નોકરીના કાર્યકાળ દરમિયાન કુલ રૂ.૩.૩૦ કરોડની પગાર અને અન્ય ફીની આવક થઇ છે તેની સામે આઈસીઆઈસીઆઈ બેન્કે આપેલે લાભનું પ્રમાણ પાંચ ગણા કરતા પણ વધારે છે અને તે અંગે તપાસ થવી જોઈએ એવીમાંગ કોંગ્રેસે કરી હતી.
લગભગ એક પખવાડિયા પહેલા હિન્ડેનબર્ગે ધડાકો કર્યો હતો કે સેબી અધ્યક્ષ બુચ અદાણી જૂથની કંપનીઓમાં હવાલા અને નાણાકીય ગેરરીતિ માટે ઉપયોગમાં લેવાથી શેલ કંપનીઓ અને ફંડમાં રોકાણકાર હોવા છતાં તેમણે અદાણી સામેની જાન્યુઆરી ૨૦૨૩ની ફરિયાદોની તપાસમાં ભાગ લીધો હતો અને તેમનું હિત જોડાયેલું હોવાથી અદાણીને ક્લીન ચીટ આપવામાં આવી છે. આ આક્ષેપનો જવાબ આપતા બુચે સ્વીકાર્યું હતું કે પોતે અને તેમના પતિ આ ફંડમાં રોકાણકાર હતા પણ આ આક્ષેપો ભારત અને સેબીના ચારિત્ર હનન સમાન છે. આ મામલે સેબી જેમની નીચે આવે છે તે નાણા મંત્રાલયે હજી સુધી મૌન ધારણ કરેલું છે. સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નથી પણ ભાજપે હિન્ડેનબર્ગ ભારત વિરોધી હોવાનું અભિયાન ચલાવ્યું હતું.
જોકે, કોંગ્રેસે કરેલા આજના આક્ષેપો વધારે ગંભીર છે અને તે અંગે સરકાર જવાબ આપવો જ જોઈએ એવી ચર્ચા શેરબજારના અગ્રણીઓ ચાલવી રહ્યા છે. બીજી તરફ, ઇન્ડીયન રેવન્યુ સર્વિસના સભ્ય નહી હોવા છતાં સીધા સેબીના અધ્યક્ષ બનેલા માધવી પૂરી બુચ ઉપર પદ ઉપરથી હટી જવા માટે દબાણ વધી રહ્યું છે.
આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શીયલ પાસેથી પગાર મેળવવો એ સેબીના નિયમોની વિરુદ્ધ છે. સેબીના કોડ ઓફ કન્ડકટની કલમ ૫૪ સેબીના કોઇપણ કર્મચારી કે બોર્ડના સભ્યને સેબી સિવાય અન્ય પાસેથી ફી કે પગાર કે નાણાકીય લાભ લેવા ઉપર પ્રતિબંધ ફરમાવે છે છતાં તેમણે પગાર અને અન્ય લાભ પેટે રૂ.૧૬.૮૦ કરોડનો લાભ કેવી રીતે મેળવ્યો તે ચર્ચા નો વિષય છે.
એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન (ઇસોપ)ની સ્કીમ હમેશા કંપનીઓ પોતાના કર્મચારીઓને આપતી હોય છે. કર્મચારી નોકરી છોડે અથવા કંપની તેને કાઢી મુકે તો આપવામાં આવેલા ઇસોપના લાભ રદ્દ ગણવામાં આવે છે. આઈસીઆઈસીઆઈ બેંકની ઇસોપ યોજનાના નિયમોમાં પણ આ કલમ (૧૦ (૩))નો સમવેશ થાય છે તો પછી સેબીના મેમ્બર બનેલા બુચને આઈસીઆઈસીઆઈ બેન્કે પગાર કેવી રીતે ચૂકવ્યો, ઇસોપનો લાભ કેવી રીતે આપ્યો તે પણ એક મોટો સવાલ છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે માધવી પૂરી બુચ સેબીના સભ્ય કે અધ્યક્ષ હોવા છતાં તેમનો પગાર અને અન્ય લાભ બેન્કે એક કર્મચારી તરીકે ચાલુ રાખ્યા હતા.
અદાણી સામેની બધી ફરિયાદની તપાસ બુચે કરી હતી
અદાણી જૂથ સાથે જોડાયેલા ફંડના રોકાણકાર હોવા છતાં, માધવી પૂરી બુચે હિન્ડેનબર્ગના આક્ષેપ પછી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસારની તપાસ પોતાની દેખરેખ હેઠળ જ રાખી હોવાનું પણ બહાર આવ્યું છે. સેબીના એક અન્ય સભ્યએ નામ નહી આપવાની શરતે મીડિયાને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે જયારે તપાસની નો આદેશ આપ્યો ત્યારે બુચે બધી તપાસ પોતાની દેખરેખ હેઠળ જ રાખી હતી. નિયમ અનુસાર આર્થિક લાભ અને હિત જોડાયેલા હોય એવી તપાસમાં સંબંધિત પક્ષકાર જોડાયેલા નથી હોતા કે પોતાને તેનાથી દુર રાખે છે પણ બુચે અદાણી સામેની તપાસ પોતાની પાસે જ રાખી હતી અને તેમાં સક્રિય રીતે જોડાયેલા હતા.