શું ચીનમાં ફેલાઈ રહેલો રહસ્યમય ન્યૂમોનિયા ભારતમાં પ્રવેશી ગયો? દિલ્હી AIIMSએ આપ્યો આ જવાબ
માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાના 7 કેસ દિલ્હી એઈમ્સમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હતા
વિવિધ પ્રકારની તપાસમાં AIIMS દ્વારા રિસર્ચ બાદ કરાયો નવો દાવો
M pneumonia Cases in India: કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી AIIMSમાં નોંધાયા હોવાનો દાવો કરાયો હતો. આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હોવાની માહિતી મળી હતી. જ્યારે AIIMS એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી આવી હતી.
દિલ્હી એઈમ્સનું આવ્યું નિવેદન
અનેક મીડિયા રિપોર્ટ્સમાં ચીનમાં હાહાકાર મચાવનારા ન્યુમોનિયા બેક્ટેરિયાના કેસ દિલ્હીમાં મળી આવ્યાનો દાવો કરાયો હતો. જેને લઈને હવે દિલ્હી એઈમ્સે ખુલાસો કર્યો છે. દિલ્હી એઈમ્સે નિવેદનમાં કહ્યું કે એઈમ્સમાં દાખલ ન્યૂમોનિયાના કોઈ પણ દર્દીને ચીનમાં મળી આવેલા ન્યૂમોનિયાના વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી.
વૉકિંગ ન્યુમોનિયા શું છે?
રિપોર્ટ અનુસાર PCR અને IgM એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી રેટ 3 અને 16% હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી એઈમ્સ માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયાના પ્રસાર પર નજર રાખવા માટે વૈશ્વિક સંઘનો એક ભાગ છે. દિલ્હી AIIMSના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રામ ચૌધરીએ જણાવ્યું હતું કે M ન્યુમોનિયાને 15-20% કમ્યુનિટી ન્યૂમોનિયાનું કારણ માનવામાં આવે છે. ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને વૉકીંગ ન્યુમોનિયા પણ કહેવાય છે. પરંતુ તેના કેસ ગંભીર પણ હોઈ શકે છે.
સર્વેલન્સ વધારવા પર ભાર
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂર છે. હાલમાં માત્ર એઈમ્સ અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. લેન્સેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે દેશોમાં એમ. ન્યુમોનિયા ફરી ઉભરી આવ્યો છે ત્યાં કેસોની સંખ્યા લગભગ મહામારી પહેલાની સંખ્યા જેટલી છે.