'M.Philની ડિગ્રી બંધ થઈ ચૂકી છે, વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લેવો': UGCએ આપી ચેતવણી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023 બુધવાર
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ એમ.ફિલનો અભ્યાસક્રમ બંધ કરી દીધો છે. યુજીસીએ હવે વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમમાં પ્રવેશ ન લેવાની ચેતવણી આપી છે, કેમ કે આ હવે એક માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી. કમિશને કહ્યુ કે અમુક યુનિવર્સિટી હજુ પણ એમ.ફિલ (માસ્ટર ઓફ ફિલોસોફી) અભ્યાસક્રમ માટે નવી અરજીઓ મંગાવી રહી છે પરંતુ આ ડિગ્રીને બંધ કરી દેવાઈ છે.
યુજીસીએ કહ્યુ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (પીએચડીની ડિગ્રી આપવા માટે લઘુત્તમ ધોરણો અને પ્રક્રિયાઓ) નિયમો 2022 તૈયાર કર્યા છે જેને 7 નવેમ્બર 2022એ ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના અધિકારીઓને પણ 2023-24 શૈક્ષણિક વર્ષ માટે એમ.ફિલ અભ્યાસક્રમમાં એડમિશન રોકવા માટે તાત્કાલિક પગલા ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુજીસી સચિવ મનીષ જોશીએ કહ્યુ, અમુક યુનિવર્સિટી એમ.ફિલ માટે નવી અરજીઓ મંગાવી રહી છે. આ સંબંધિત એ ધ્યાનમાં લેવાનું છે કે એમ.ફિલ ડિગ્રી કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી. યુજીસી (પીએચડીની ડિગ્રી આપવા માટે લઘુત્તમ ધોરણો અને પ્રક્રિયાઓ) નિયમો 2022ના નિયમન 14માં સ્પષ્ટરીતે કહેવામાં આવ્યુ છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ એમ.ફિલની રજૂઆત કરશે નહીં.