યુપી: ટ્રક સાથેની ભયંકર ટક્કરમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ, 8 લોકોનાં મોત, અનેક ઘાયલ
Accident in Kannauj: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા. આ દુર્ઘટના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ઔરૈયા બોર્ડર નજીક થઈ. એક સ્લીપર બસ અને પાણીના ટેન્કરમાં ટક્કરના કારણે થયેલી દુર્ઘટનામાં 19 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સૈફઈ મેડીકલ કોલેજ અને તિર્વા મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કુલ 40 લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું કે મામલામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ. પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યાં છે.
ઘટના બાદ કન્નૌજ પોલીસે એક નિવેદન જારી કરી જણાવ્યું, 'સકરાવા વિસ્તારમાં એક ડબલ ડેકર બસે ડિવાઈડર પર છોડમાં પાણી નાખી રહેલા પાણીના ટેન્કરને પાછળથી ટક્કર મારી. માહિતી મળતાં તાત્કાલિક પોલીસ, યુપીડા અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા. તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.
કન્નૌજના પોલીસ અધિક્ષકે મીડિયાને જણાવ્યું કે આ બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યુ. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અન્ય મુસાફરો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર યુપીના જળ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દુર્ઘટનાના સમયે તે વિસ્તારથી પસાર થઈ રહ્યાં હતાં. જાણકારી મળતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા. સ્વતંત્ર દેવ સિંહે દુર્ઘટના બાદની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, 'લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર કન્નૌજમાં થયેલી બસ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને તંત્ર અને સ્થાનિક લોકોની મદદ પહોંચાડાઈ. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલુ છે. જિલ્લાધિકારી અને એસપી દુર્ઘટના સ્થળ પર હાજર છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરોને પોતાના શ્રીચરણોમાં સ્થાન દે.' યુપી સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કે ઈજાગ્રસ્ત લોકોના પરિવાર માટે કોઈ વળતરની જાહેરાત કરી નથી.