VIDEO : દહેજમાં 2.5 કરોડ કેશ, જૂતા છુપાઈ વિધિના 11 લાખ, યુપીમાં મોંઘેરા લગ્ન વિવાદમાં
Luxurious Wedding In UP: મેરઠમાં દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક મોટા રિસોર્ટમાં વૈભવી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ યુપીના આ મોંઘેરા લગ્ન વિવાદમાં આવી ગયા છે. આ લગ્ન સમારોહમાં એક સૂટકેસમાં 2 કરોડ 56 લાખ રૂપિયા કેશ દહેજમાં આપવામાં આવ્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્ન સમારોહમાં જૂતા ચોરીની વિધિના નામ પર 11 લાખ રૂપિયા અને 8 લાખ રૂપિયા અલગથી આપવામાં આવ્યા છે. વાયરલ વીડિયો પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે કે ઈન્કમટેક્સ અને EDની ટીમ આવા જ લોકોના ઘરે દરોડા પાડે છે. લોકોઅ સવાલ પણ ઉઠાવ્યો છે કે, આટલા કેશ ક્યાંથી આવ્યા અને તેનો હિસાબ કોણ લેશે?
દહેજમાં છોકરીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂપિયા કેશ આપ્યા
મેરઠના NH-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂપિયા કેશ આપ્યા હતા. આ કેશ પૈસા મોટા સૂટકેસમાં લાવવામાં આવ્યા હતા અને વરરાજાના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોમાં આ રકમ 2.56 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં એવું પણ સંભળાય રહ્યું છે કે જૂતા ચોરીની વિધિના 11 લાખ રૂપિયા અને 8 લાખ રૂપિયા અલગથી એક ધાર્મિક સ્થળના નામે આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે PM મોદી, ગોધરા કાંડ પર આધારિત છે વિક્રાંત મેસીની આ ફિલ્મ
લોકો વાયરલ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પર સતત કોમેન્ટ આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે આવા જ લોકોને ત્યાં ઈન્કમટેક્સ અને ઈડીના દરોડા પડે છે. વાયરલ વીડિયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે આટલી મોટી રકમ કેશ આપનારાઓએ ક્યાંથી એકઠી કરી. આ વીડિયો અધિકારીઓ સુધી પહોંચ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, લગ્ન એ પરિવારની અંગત અને પારિવારિક બાબત છે. કોઈપણ પક્ષ તરફથી ફરિયાદ આવે તો તેની તપાસ થઈ શકે છે. ફરિયાદના આધાર પર જ કાર્યવાહી શક્ય છે.