બરેલીનો 'દિલવાળો' ઈંગ્લેન્ડની 'દુલ્હનિયા' લાવશે, ચીનમાં થયેલી મિત્રતા હવે લગ્નમાં પરિણમશે
Love Story: પ્રેમ કોઈ પણ ભાષા, દેશ કે ધર્મનો મોહતાજ નથી. તે કોઈ ધર્મમાં નથી માનતો. તે ફક્ત સાચા પ્રેમમાં જ માને છે. સીમા અને અંજુ બાદ વધુ એક લવ સ્ટોરી ચર્ચામાં આવી છે. હવે બરેલીનો 'દિલવાળો' ઈંગ્લેન્ડની 'દુલ્હનિયા' લાવશે. બરેલીના એક યુવકને ઈંગ્લેન્ડની યુવતી એટલી પસંદ આવી ગઈ કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. બંનેએ શુક્રવારે બરેલી પહોંચીને કોર્ટ મેરેજ માટે અરજી કરી છે. જો બધું બરાબર રહેશે તો ટૂંક સમયમાં તેમના લગ્નનું પ્રમાણપત્ર જારી કરી દેવામાં આવશે.
ચીનમાં નોકરી કરવા માટે ગયો હતો શિવમ
બરેલીના રહેવાસી શિવમ મિશ્રાએ બરેલીની શાળા અને કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે. તે નોકરી માટે ચીન ગયો હતો. ત્યાં તેની મુલાકાત ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરની રહેવાસી લુસી રાલિંગ સાથે થઈ. થોડી જ મુલાકાતો બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. વાત આગળ વધી તો બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આમ ચીનમાં થયેલી મિત્રતા હવે લગ્નમાં પરિણમશે. ભલે બંનેના ધર્મ અલગ છે પરંતુ પ્રેમની આગળ બધી બાબતો નાની પડી જાય છે.
લુસી ઈંગ્લેન્ડથી આવી બરેલી
શિવમ ઈંગ્લેન્ડથી પોતાની દુલ્હન લુસીને લઈને બરેલી આવી ગયો છે. શુક્રવારે તેઓ વકીલ શાંતનું મિશ્રા સાથે કોર્ટમાં ગયા હતા અને ત્યાં તેમણે લગ્ન માટે અરજી કરી છે. બંને તરફથી હાજર સાક્ષીઓ સાથે કોર્ટ મેરેજ માટે અરજી કરી છે. નિયમો પ્રમાણે નોટિસ સૂચના જારી કર્યા બાદ કોર્ટમાંથી લગ્નની મંજૂરી મળશે અને લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવશે. શિવમ સાથે તેની બહેન શિવી મિશ્રા અને અન્ય મિત્રો હાજર રહ્યા હતા.